ધોરાજી ધોરાજી નગરપાલિકા દ્વારા બાર વર્ષ પહેલા અંદાજે 21 કરોડના ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ આજે 12 વર્ષ વીતી ગયા છતાં પણ એ પાઇપલાઇન શરૂ થઈ નથી સમસ્યાઓ હલ કરવા લોક ફરીયાદો ઉઠવા પામી છે. કરોડો રૂપિયાના ખર્ચે નાખેલી પાઇપલાઇનના નબળા કામ બાબતે કાર્યવાહી કરવાની પ્રાદેશિક નગરપાલિકા કમિશનરે સૂચના આપેલી હતી છતાં તંત્ર વાહકો દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરાતાં નગરજનોમાં રોષ વ્યાપી રહ્યો છે. નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે રાજકીય પાર્ટીના આગેવાનો ફરી એકાંતરા પાણી આપીશું તેવા વચનો આપી રહ્યા છે પરંતુ બાર વર્ષે પણ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છતાં પણ એકાંતરા પાણી મળતું નથી તેનું શું? તેવાં લોકોનાં સવાલો ટોક ઓફ ધ ટાઉન બની રહ્યા છે. રજૂઆતો કરીને થાકેલી મહિલાઓ હવે પાણી મુદે આક્રમક લડત આપવાના મૂડમાં છે.
ધોરાજીની પ્રજા અને ખાસ કરીને મહિલાઓ પોતાની વ્યથા ઠાલવી રહી છે કે નગરપાલિકામાં કોઈપણ શાસન આવે પરંતુ પીવાનું શુદ્ધ પાણી મળી રહે અને એકાંતરા પાણી અપાવે તેવા રાજકીય આગેવાનોની અમારે જરૂર છે, માત્ર ઠાલાં વચનો જ આપે તેવા નહી. તંત્ર વાહકો નગરજનોની સમસ્યાઓનો હલ કરે તેવી માગણી મહિલાઓએ કરી છે. નગરજનોએ જણાવ્યું હતું કે ધોરાજી નગરપાલિકામાં પાણીના પ્રશ્ને 12 વર્ષથી પ્રજા પરેશાન થઈ રહી છે. મહિલાઓએ અનેક વિધ કાર્યક્રમો આપ્યા હોવા છતાં કોઇ જ પરિણામ મળ્યું નથી.
પાણીના પ્રશ્ન મહિલાઓ દ્વારા અનેક વિરોધ કાર્યક્રમ આપ્યા છે, અગાઉ કચેરીએ દોડી જઇને રજૂઆતો પણ કરી છે, મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે, પીવાની નવી પાઇપલાઇન નાખવામાં આવી છે ત્યારથી આજે અંદાજે 12 વર્ષ જેવો સમય થયો છે છતાં પણ જનતાને એ નવી પાઇપલાઇનમાંથી શુદ્ધ પીવાનું પાણી, એકાંતરા પાણી મળતું નથી, ધોરાજીની જનતાને દર ચોથા દિવસે અથવા તો અમુક વોર્ડમાં આઠમા દિવસે પાણી મળી રહ્યું છે એ પણ શુદ્ધ પાણી તો મળતું નથી.