મહિલાઓના વાંધાજનક વીડિયો વેચનારા ત્રણેયને અમદાવાદ લવાશે

રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમે ગઈકાલે (19 ફેબ્રુઆરી) મહારાષ્ટ્રથી બે અને પ્રયાગરાજથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ત્રણેય આરોપી યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારનાં દૃશ્યો વેચતાં હતાં. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે. બીજી તરફ રાજકોટની પાયલ હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે.

આજે (20 ફેબ્રુઆરી) ત્રણેય આરોપીને લઈ સાયબર ક્રાઇમની ટીમ અમદાવાદ પહોંચશે. સાયબર ક્રાઈમની પ્રાથમિક તપાસમાં આરોપીઓ દ્વારા એક યુટ્યૂબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. એક ચેનલને આરોપી પ્રયાગરાજથી ઓપરેટ કરતો હતો. હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે, તેમાં કોઇ મહિલાના સ્નાન કરતા આપત્તિજનક ફોટો- વીડિયો ક્લિક થયાની શંકાના આધારે પણ સાયબર ક્રાઈમ આરોપીઓની આકરી પૂછપરછ કરશે. હાલ આરોપીઓના ફોન સાયબર ક્રાઈમે કબજે કરી લીધા છે અને તેનો ડિલીટ થયેલો ડેટા ભેગો કરવામાં આવશે.

મહિલા IPSને કામગીરી બદલ અભિનંદનઃ સંઘવી આ મામલે વિધાનસભામાં ચર્ચા દરમિયાન રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહિલા આઈપીએસને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે રાજ્યની મહિલા આઇપીએસ દ્વારા 3000 કિમીથી દૂરથી આરોપીઓ પકડી લેવામાં લાવ્યા છે. સાયબર ટેરરિઝમ પર રોક લગાવનારી પહેલી મહિલા આઇપીએસ લવિના સિન્હા છે. મહિલા આઈપીએસને અભિનંદન આપું છું. પોલીસની ભરતી પ્રક્રિયા પણ એક મહિલા આઇપીએસ નીરજા ગોત્રુ કરે છે. હાલની મહિલા પોલીસની સંખ્યા ડબલ કરીશું. ગુજરાતમાં મહિલા IPS 34 છે, 22 નવા અને 8 સીધી ભરતીથી IAS મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *