ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ જગ્યાઓથી જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર આવેલી ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો જે જોઈને આવી ઠંડીમાં પ્યાસીઓની મનની મનમાં જ રહી ગઇ હતી. વોરા કોટડા રોડ પર આવેલા ખરાબાની જગ્યામાં 18,675 હજારથી વધુ વિદેશી દારૂની બોટલનો રૂપિયા 90 લાખ 57 હજારની કિંમત રૂપિયાનો નાશ કરવામાં આવ્યો હતો. ગોંડલ તાલુકા પોલીસ દ્વારા છેલ્લા 4 મહિના દરમ્યાન ગ્રામ્ય વિસ્તારમાં 11 અલગ અલગ દરોડા દરમ્યાન રૂપિયા 90,57,066 ની કિંમતનો 18,675 બોટલ દારૂનો ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો.
આ તકે ગોંડલ ડેપ્યુટી કલેકટર રાહુલ ગમારા, ગોંડલ તાલુકા પીઆઇ જે.પી.રાવની હાજરીમાં દારૂ હતો ન હતો કરી દેવાયો હતો. બુલડોઝરના તોતિંગ વ્હીલ દારૂની બોટલ પર ફરી વળતા દારૂની છોળો ઉડી હતી અને પ્યાસીઓના કંઠ સુકાયા હતા. આ તકે પ્રાંત અધિકારી રાહુલ ગમારા, DYSP કે.જી. ઝાલા, PI જે.પી. રાવ, PSI આર.આર. સોલંકી, PSI આર.જે. જાડેજા, નશાબંધીના અધિકારી હાર્દિકસિંહ જે. જાડેજા તેમજ તાલુકા પોલીસ સ્ટાફની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો.