બેંક કર્મચારી તેમજ સરકારી કોન્ટ્રાક્ટર હોવાની ઓળખ આપી ડોક્ટરના નામે લોન લઇ શો-રૂમમાંથી નવી કાર છોડાવી કાર લઇને નાસી જઇ ઠગાઇ કરી હતી.
જીવંતિકાનગરમાં રહેતા અને ઘર પાસે ઓમ ફિઝિયોથેરાપિસ્ટ નામે ક્લિનિક ચાલાવતા ડો.વિવેકભાઇ ધર્મેન્દ્રભાઇ મોદીએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે સોડવદર ગામે રહેતો રજનીકાંત ઉર્ફે રજનીશભાઇ સુરેશભાઇ સારીખડાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના ક્લિનિકે એક વર્ષથી આવતા રજનીકાંતભાઇ પોતે મહિન્દ્ર બેંકના કર્મચારી હોવાનું અને ક્રેડિટ કાર્ડ અને કોટક મહેન્દ્ર બેંકમાંથી કોઇ કાર્ડ કઢાવવું હોય તો હું કાઢી આપીશ કહી ઓળખાણ કરી હતી. બાદમાં તે ગવર્મેન્ટના કોન્ટ્રાકટ પણ રાખતા હોય અને મારા પર હોમ લોન ચાલુ હોય તમારા નામે લોન લઇને નવી કાર લેવાની વાત કરી હતી. બાદમાં વિશ્વાસમાં આવી જતા ડો.વિવેકએ તેના નામે રૂ.11 લાખની લોન લઇને કાર છોડાવી આપી હતી જેના માસિક રૂ.23075નો હપ્તો આવતો હોય છેલ્લા છ માસ હપ્તો મારા ખાતામાં જમા કરાવતા હતા અને બાદમાં બેંકમાં હપ્તાના પૈસા નાખતા ન હોય ફોન કરતા બહાના બતાવતા હતા. જેથી ડોક્ટરે હપ્તાના પૈસા ન હોય તો કાર આપી જાવ કહેતા તેને છૂટક 10 હજાર આપ્યા હતા બાદમાં નાસી જતા ફરિયાદ નોંધાઇ છે.