જય નંદનવન સોસાયટીમાં પોલીસમેનના બંધ મકાનમાં અડધા લાખની મતાની ચોરી

શહેરમાં પોલીસની પકડ ઢીલી પડતા તસ્કરો બેકાબૂ બન્યા છે. ભગવતીપરા પાસે નંદનવન સોસાયટીમાં રહેતા અને થોરાળા પોલીસમાં ફરજ બજાવતા પોલીસમેનના બંધ મકાનના તાળાં તોડી તસ્કરો અડધા લાખની કિંમતના દાગીનાની ચોરી કરી ગયાની પોલીસમેનની પત્નીએ ફરિયાદ કરતાં બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નંદનવન સોસાયટીમાં રહેતા ગીતાબેન જયેશભાઇ રાઠોડએ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પરિવાર સાથે રહેતા હોવાનું અને તેના પતિ થોરાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા હોય તા.6-9ના રોજ તેના ઘેર તાળાં મારી પરિવાર સાથે રોહીદાસપરામાં રહેતા સાસુ-સસરાના ઘેર આવ્યા હતા અને બાળકોને બે દિવસની રજા હોય ત્યાં જ રોકાયા હતા બાદમાં તા.8ના રોજ ઘેર જતા દરવાજાના તાળાં તૂટેલા હોય રૂમમાં તપાસ કરતાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યાે હતો. બાદમાં વધુ તપાસ કરતાં કબાટમાંથી તિજોરી તોડી તેમાંથી સોનાની બૂટી,પેન્ડલ,ચાંદીની બંગડીઓ તેમજ રૂ.પાંચ હજારની રોકડ સહિતની મતાની ચોરી થયાનું બહાર આવતા તેને તુરંત પતિ અને તેના પિતાને જાણ કરી બાદમાં ફરિયાદ કરતાં બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા મથમણ કરી હતી. શહેરમાં સિવિલિયનના ઘરમાંથી ચોરી કરતાં તસ્કરો હવે ડર વિના પોલીસમેનના ઘરમાં પણ ચોરી કરતાં ખચકાતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *