ગુજરાત રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જે હજુ પણ આગામી સાત દિવસ યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર મહિનાના લાંબા ગાળાના વાતાવરણના પૂર્વાનુમાન મુજબ ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. જેને પગલે અમદાવાદ સહિતના કેટલાક જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન સામાન્યથી નજીક પહોંચ્યું હોય તેવી સ્થિતિ ઉદભવી છે. જ્યારે લઘુત્તમ તાપમાન હજુ પણ યથાવત્ રહ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ દરમિયાન હજુ પણ ગુજરાત રાજ્યનું વાતાવરણ યથાવત્ રહેશે. હાલમાં ગુજરાત ઉપર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે. જેને કારણે વાતાવરણ શુષ્ક રહે છે તથા આગામી સાત દિવસ ઠંડીનો અનુભવ થવાની શક્યતા નહીંવત પ્રમાણમાં છે. તેમ છતાં ગત બે દિવસ પહેલા કરતા છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. પરંતુ લઘુત્તમ તાપમાન થોડા અંશે છેલ્લા બે દિવસની સરખામણીમાં ગતરોજ થોડું વધુ રહ્યું હતું.