રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરવામાં આવે છે. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 665 નવી જીવન રક્ષક દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. હાલમાં એસેન્સિયલ ડ્રગ લીસ્ટની દવાઓ 717થી વધીને 1382 થઈ છે. નવી ઉમેરાયેલી દવાઓના કારણે કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હૃદય રોગ, ડાયાબિટીશ, બી.પી. તેમજ કીડનીના રોગથી પીડાતા દર્દીઓને જીવન રક્ષક દવાઓથી ગુણવત્તાયુક્ત દવા અને સારવાર મળી રહેશે.
આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25માં વધીને 1382 થઇ છે. રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી, એ જ સરકારની પ્રાથમિકતા છે. આ દવાઓ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે.