મારામારીના અનેક ગુનામાં સંડોવાયેલા લિસ્ટેડ બુટલેગર યાકુબ મોટાણીનો પુત્ર મોહીનને પાસામાં સુરત જેલમાં ધકેલવામાં આવ્યો છે. અવારનવાર મારામારી કરતાં શખસો વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવાની આપેલી સૂચનાથી માલવીયાનગર પોલીસ ટીમે મારામારી સહિત ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા મોહીન યાકુબભાઈ મોટાણી (ઉ.વ.21) વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલતા આરોપીને સુરત જેલમાં ધકેલવાનો આદેશ કરતાં માલવિયાનગર પોલીસે પાસા તળે અટકાયત કરી જેલમાં ધેકલવા કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી મોહીન મોટાણી કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણી અને અવારનવાર મારામારીના ગુના આચરતી બિલ્કિસનો પુત્ર છે.
અન્ય બનાવમાં ફરિયાદી ધ્રુવિત ઉર્ફે ધ્રુવ જનકભાઈ પરમાર (ઉ.વ.31) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિવ્યરાજ વાળા, મંથન ગોહેલ, કેતન ગોહેલ અને મનસુખ ગોહેલના નામ આપી જણાવ્યું હતું કે, તે ગઈકાલે રાત્રિના તેના પિતરાઈ બેન સાથે ચાલવા નીકળેલ અને ઘરથી થોડે દુર શેરી નં.3ના ખુણે પહોંચતા દિવ્યરાજ વાળા બાઈક લઈ આવ્યો હતો અને ગાળો આપી કહેવા લાગેલ કે, મારા પર કરેલ કેસ પાછો ખેંચી લેજે નહીંતર પાછો આટીમાં આવી જઈશ અને તારા ટાંટીયા ભાંગી નાખીશ. તેમજ શેરીમાં બેસેલા અન્ય આરોપીને બોલાવી માર મારવા લાગેલ હતા. દરમિયાન તેમના માતા-પિતા છોડાવવા આવતા તેમને પણ માર માર્યો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.