મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં અંતરવાલી સરાટી 25 ઓક્ટોબર સુધી સામાન્ય ગામ હતું. હવે તે મરાઠા અનામત આંદોલનનું કેન્દ્ર બની ગયું છે. જાલનાથી 70 કિલોમીટર દૂર આ ગામમાં વિઠ્ઠલ મંદિરના કેમ્પસમાં મનોજ જરાંગે પાટીલ 9 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા હતા. તેમણે 2જી નવેમ્બરે એટલે કે ગુરુવારે ઉપવાસ સમાપ્ત કર્યા. મનોજ જરાંગે સરકારને 2 જાન્યુઆરી 2024 સુધીનો સમય આપ્યો છે.
39 વર્ષીય મનોજ જરાંગે પાટીલ મરાઠા અનામત આંદોલનનો ચહેરો બની ગયા છે. તેઓ બીડના રહેવાસી છે, પરંતુ જાલનામાં નોકરી કરે છે. અહીં એક હોટલમાં કામ કરતા હતા. તેમણે આંદોલન શરૂ કર્યા બાદ બીડ અને લાતુરમાં ઘણી જગ્યાએ હિંસા થઈ. ટોળાએ નેતાઓની ઓફિસો અને ઘરોને સળગાવી દીધાં. ગાડીઓ તોડી નાખી. મામલો વધી જતાં સીએમ એકનાથ શિંદેએ સર્વપક્ષીય બેઠક બોલાવવી પડી.
અંતરવાળી સરાટી ગામમાં પ્રવેશતા પહેલાં પાર્કિંગની મોટી જગ્યાઓ દેખાવા લાગે છે. વડીગોદ્રી બજાર સમિતિના કેમ્પસમાં 62 એકર જમીન, ડોડગાંવમાં 6 એકર, સભા ભવન પાસે 6 એકર અને રામગવનમાં 6 એકર જમીન પર વાહનો પાર્ક કરવાની જોગવાઈ છે. ગામના દરેક એન્ટ્રી પોઈન્ટ પર બાળકો અને યુવાનો સુરક્ષા માટે ઊભા છે. તેઓ કોઈને પૂછપરછ કર્યા વિના આગળ જવા દેતા નથી.