શહેરની ભાગોળે કાલાવડ રોડ પર તાલુકા પોલીસ સ્ટેશન નજીક ફૂડના સ્ટોલમાં કામ કરતા યુવક પર ઘાતક હથિયારોથી હુમલો થયો હતો. કાલાવડ રોડ પર કસ્તૂરી ફૂડ નામના સ્ટોલમાં કામ કરતો અને સ્ટોલની પાછળના ભાગે આવેલા રૂમમાં રહેતો નેપાળી ગૌરવ શેરબહાદુર સાઉદ મંગળવારે સવારે પોતાના રૂમમાં ઊંઘમાં હતો ત્યારે નેપાળના જ રાહુલ અને સિધ્ધુ રૂમમાં ઘુસ્યા હતા અને નિદ્રાધીન ગૌરવ પર છરી કોયતાથી તૂટી પડ્યા હતા. હુમલો થતાં ગૌરવ જાગી ગયો હતો અને તેણે દેકારો મચાવતા હુમલાખોરો નાસી ગયા હતા. ઘવાયેલા ગૌરવ સાઉદને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ ઝઘડો થયો હતો અને તેનું બાદમાં સમાધન પણ થઇ ગયું હતું. આમ છતાં તેનો ખાર રાખી હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.