આજે શ્રાવણ માસની શરૂઆત જ સોમવારથી થતા રાજકોટનાં શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. તેમાંય શહેરના 149 વર્ષ જૂના પંચનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે ભક્તોની ભીડ જોવા મળી હતી. ભગવાન શંકરને દૂધનો અભિષેક કરવામા આવી રહ્યો હતો. શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં દરરોજ અદભુત શણગાર કરવામાં આવશે. ઉપરાંત અલગ અલગ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો દરરોજ યોજાશે. ભક્તોએ પણ ભોળાનાથ સમક્ષ શિશ ઝૂકાવી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી હતી.
રાજકોટના પંચનાથ મહાદેવ મંદિરના પૂજારી ઇન્દ્રવદન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વખતે ઘણા સમય પછી શ્રાવણ માસમાં 5 સોમવાર આવ્યા છે. સવારથી ભક્તોનુ ઘોડાપૂર ઉમટી પડ્યુ છે. રાત સુધી ભક્તોનો પ્રવાહ ચાલુ રહેશે અને ભક્તોની મનોકામના પૂર્ણ થશે. શ્રાવણ માસમાં પાંચ સોમવાર ઘીની પૂજા કરવામાં આવે છે. જેમાં પ્રથમ સોમવારે શિવ પરિવારને ઘીનો શણગાર કરવામા આવશે. બીજાં સોમવારે માર્કંડ ઋષિ અને મહાદેવને ઘીનો શણગાર થશે. ત્રીજા સોમવારે રૂથી નિર્મિત ગંગા અવતરણનો અદભુત શણગાર જોવા મળશે. જેમાં પણ ઘીના મહાદેવ હશે. ચોથા સોમવારે ઘીથી નિર્મિત વિષ્ણુ શૈયા તો પાંચમા સોમવારે મહાકાળી, મહાલક્ષ્મી અને મા સરસ્વતીને ઘીથી શણગાર કરવામાં આવશે. બાદમાં શ્રાવણ વદ અમાસે પંચનાથ દાદાની વર્ણાંગી નીકળશે જે શહેરભરમાં લોકોને દર્શન માટે ફરશે અને બાદમાં ફરી નિજ મંદિરમાં પંચનાથ દાદાને વિધિ વિધાન પૂર્વક સ્થાપન કરવામા આવશે.