ગોંડલના રીબ ગામનો પ્રદીપ ગીરધરભાઇ લીલા (ઉ.વ.29) રવિવારે રાજકોટમાં રૈયા રોડ પરના અમૃત પાર્કમાં પાનની દુકાને હતો ત્યારે અચાનક જ બેભાન થઇ ઢળી પડતાં તેને તાકીદે રિક્ષામાં સુવડાવી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ દોડી ગઇ હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રદીપ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો, તે રીબ ગામમાં ખેતી કરવા ઉપરાંત વેપાર કરતો હતો. પ્રદીપના અગાઉ લગ્ન થયા હતા, પરંતુ પત્ની સાથે મનમેળ નહીં થતાં છૂટાછેડા થઇ ગયા હતા. પ્રદીપના બીજા લગ્ન કરાવવા માટે પરિવારજનો કેટલાક સમયથી પ્રયાસ કરતા હતા અને રાજકોટના અમૃત પાર્કમાં રહેતા એક પરિવારની યુવતી સાથે વાતચીત ચાલી હતી. પ્રદીપ અને તેનો પરિવાર રવિવારે કન્યા જોવા આવ્યા હતા અને બંને પક્ષને અનુકૂળ લાગતાં સગાઇ નક્કી કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ પ્રદીપ કન્યાના ભાઇ સહિતના લોકો સાથે અમૃત પાર્કમાં પટેલ પાન નામની દુકાને સોડા પીવા ગયા હતા. સોડાનો ઓર્ડર આપ્યો હતો. સોડા આવે તે પહેલાં જ પ્રદીપને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે બેભાન થઇને ઢળી પડ્યો હતો. યુવાન પુત્રનાં મોતથી લીલા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.