રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં એક મહિના પૂર્વે ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી માધાપર ગામમાં રહેતી જ્યોતિ મકવાણા (ઉ.વ.20)એ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કર્યવાહી કરી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
રાજકોટ જામનગર રોડ પર માધાપર ગામમાં આવેલ ક્રાઈસ્ટ હોસ્પિટલની સામે રહેતી જ્યોતિબેન મોહનભાઇ મકવાણા (ઉ.વ.20) નામની યુવતીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં જ દમ તોડી દેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી જ્યોતિ ચાર ભાઈ-બહેનમાં નાની હતી અને તેના પિતાનું એક વર્ષ પહેલાં અવસાન થયું હતું. જ્યોતિ રાજકોટની HCG હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. દરમિયાન તેણીને એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ તેની સાથે લગ્ન કરવા હોય જેથી પરિવારજનોએ રાજી ખુશીથી તેની સાથે ત્રણ માસ પહેલાં સગાઈ પણ કરાવી દીધી હતી અને આગામી દિવાળી બાદ તેમના લગ્ન પણ નક્કી કરવામાં આવ્યાં હતાં. જેથી તેણીને એક માસ પહેલાં નર્સની નોકરી પણ છોડી દીધી હતી અને ઘરે આરામ કરી પરિવાર સાથે રહેતી હતી. બનાવ અંગે પરિવાર પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.