વલસાડના વાપીના ડુંગરી ફળિયામાં રહેતી એક 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા નિપજાવનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે. માસૂમ બાળકી દુષ્કર્મ ગુજાર્યા બાદ તે દુષ્કર્મ બાબતે કોઈને જાણ ન કરી દે તે માટે નરાધમે તેની હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ ગુનાને અંજામ આપવા માટે બાળકીનું અપહરણ કર્યું તેના પાંચ દિવસ પહેલાથી જ બાળકીને પીપર અને બિસ્કીટ લઈ આપી વિશ્વાસ કેળવવા લાગ્યો હતો અને બાદમાં માસૂમ બાળકીને પીંખી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે આવો જાણીએ કે કઈ રીતે આ સમગ્ર બનાવ બન્યો અને પોલીસ કઈ રીતે આરોપી સુધી પહોંચવામાં સફળ રહી.દક્ષિણ ગુજરાતમાં વલસાડના વાપીની 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસનો ભેદ ઉકેલાયો છે ત્યાં જ સુરતના ડીંડોલી વિસ્તારમાં 15 વર્ષીય તરુણી પર અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી છે.
વાપીના ડુંગરી ફળિયામાં પરિવાર સાથે રહેતી એક 6 વર્ષીય બાળકી 23 ઓક્ટોબરે પોતાના ઘર પાસે રમી રહી હતી ત્યારે જ આરોપી દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપી જ્યારે બાળકીનું અપહરણ કર્યું તે ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ હતી. માસૂમ બાળકીને નિશાન બનાવવા માટે નરાધમે 18 તારીખથી જ બાળકીનો વિશ્વાસ કેળવવાની શરૂઆત કરી દીધી હતી. તે દરરોજ બાળકીના ઘર નજીક આવેલા પ્રોવિઝન સ્ટોર પર જતો હતો અને બાળકીને પીપર-બિસ્કિટ લઈ આપતો હતો. બાળકી વિશ્વાસ કરવા લાગતા જ નરાધમ 23 ઓક્ટોબરે બપોરે 11 વાગ્યે બાળકીને ઉઠાવી ગયો હતો.
સાંજે પરિવારને જાણ થઈ, રાત્રે બાળકીની લાશ મળી
માસૂમ બાળકી ઘર પાસેથી ગુમ થયાની પરિવારને સાંજે જાણ થઈ હતી. જેથી પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મામલાની ગંભીરતાને સમજી સ્થાનિક લોકો સાથે મળી આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે નજીકના જંગલ વિસ્તારમાંથી બાળકીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. લાશ મળ્યા બાદ બાળકી પર દુષ્કર્મ થયાની આશંકા હતી જે પણ પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું હતું.