રતનપરના રામચરિતમાનસ મંદિરે પાણી અને રંગથી નહીં પણ ફૂલથી ધૂળેટી ઉત્સવ મનાવાશે

આજે રાત્રે હોલિકા દહન થશે અને કાલે ધૂળેટી પર્વની ઉજવણી કરાશે. રાજકોટ શહેરના અનેક મંદિરો અને હવેલીમાં ભાવિકો ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરશે. આ ઉપરાંત પાણી બચાવવા અને પર્યાવરણના જતન માટે ભક્તો તિલક હોળી અને અબીલ-ગુલાલથી રમશે. રતનપર સ્થિતિ રામચરિતમાનસ મંદિરે છેલ્લા 30 વર્ષથી ધૂળેટી પર્વ પર ભાવિકો પાણી અને રંગથી નહીં પણ ફૂલથી ઉત્સવની ઉજવણી કરે છે ત્યારે આ વર્ષે પણ ફૂલડોલ ઉત્સવનું 14 માર્ચને શુક્રવારે આયોજન કરાયુ છે અને રાજકોટ જંક્શન પ્લોટ ખાતે આવેલા ગીતામંદિરથી સવારે 7 કલાકે પદયાત્રા શરૂ થશે જે 10.45 કલાકે રામમંદિર રતનપર પહોંચશે. જ્યાં પદયાત્રીઓએ લાવેલી 108 ધ્વજા રણછોડરાયજીના મંદિરે ચડાવવામાં આવશે. જંકશન પ્લોટ ખાતે ગીતા વિદ્યાલયના સમગ્ર પરિસરને રોશનીથી શણગારવામાં આવશે. ગીતા મંદિરે ધૂળેટીના દિવસે વર્ષમાં માત્ર એકવાર ભાવિકો મુરલી મનોહરના દર્શન માટે તિલક હોળી રમવા નીજ મંદિર સુધી જઇ શકશે.

આપણી વર્ષોની પરંપરા છે હોળીની દિશાના આધારે એક માન્યતા પ્રમાણે હોળી પ્રગટ્યા બાદ જે દિશામાં પવન હોય તે દિશા પ્રમાણે તે વર્ષના વરસાદની આગાહી કરવામાં આવે છે. તે મુજબ હોલિકા દહનની પ્રથમ ઝાળ પરથી ચોમાસાનો વરતારો નક્કી કરાશે. આજે ગુરુવારે સવારે 10.37 કલાક સુધી ચૌદશ તિથિ છે. ત્યારબાદ પૂનમની તિથિનો પ્રારંભ થશે જે શુક્રવારે બપોરે 12.25 કલાક સુધી રહેશે. હોળીની પ્રદક્ષિણા કરવાનું પણ મહાત્મ્ય છે. તેમજ કુળદેવી, હનુમાનજી અને કાળભૈરવની પણ ઉપાસના કરવી શ્રેષ્ઠ મનાય છે. આમ હોળીના દિવસે કરેલી પૂજા-ઉપાસના વધારે ફળદાયી બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *