જસદણ શહેરના આટકોટ રોડ પર ગૌરવપથ પર જસદણ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી વરસાદી પાણીના નિકાલની ગટર વ્યવસ્થા હાલ શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી અને નગરપાલિકાના અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે આ ગટર વ્યવસ્થા લોકો માટે આશીર્વાદને બદલે માથાનો દુખાવો અને જીવનું જોખમ બની ગઈ છે. જસદણના જાગૃત નગરજનો દ્વારા નગરના કહેવાતા નગરપતિને આ બાબતને ગંભીરતાથી લઈ, બેજવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા અને નિયમાનુસાર કામગીરી કરાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે. જો આ મામલે સત્વરે ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં જનઆંદોલન છેડાય તો પણ નવાઈ નહિ.
આ ગટરના નિર્માણમાં કોન્ટ્રાક્ટર દ્વારા બે પાઈપ વચ્ચે જોડાણ આપવાના બદલે ખુલ્લી છોડી દેવામાં આવી છે. જેના પરિણામે હાલ તમામ ગટરની પાઈપલાઈન કચરા અને ધૂળથી સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે, અને સહેજ પણ વરસાદ પડે તો રોડ પર પાણી ભરાઈ રહે છે. આ ઉપરાંત, કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલી ગટરની કુંડીઓને પણ ઢાંકવાની તસ્દી લેવામાં આવી નથી, જેના કારણે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. ખુલ્લી ગટરની કુંડીઓ અકસ્માતોને નોતરી રહી છે અને કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આટલી ગંભીર બેદરકારી છતાં, જસદણ નગરપાલિકાના “પેધી ગયેલા’ અધિકારીઓ અને પદાધિકારીઓના “પેટનું પાણી પણ હલતું નથી.’ પ્રજાના જીવની પરવા કર્યા વિના, તેઓ કોન્ટ્રાક્ટરો સાથે “ભાઈચારો’ નિભાવી રહ્યા હોવાનો આક્ષેપ જાગૃત નાગરિકો કરી રહ્યા છે. આટકોટ રોડ પરની ગટરની ખુલ્લી કુંડીઓ ગમે ત્યારે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે તેમ છે. { તસવીર: દિપક રવિયા