મનીષને લેવા ગયેલા PSIને પત્ની સહિત 2 મહિલાએ ધક્કો મારી ઘરે સંતાડી દીધો

ખોડિયારનગર પાસે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ સ્કીમનું માળખું ઊભું કરી દુકાનોના વેચાણ પેટે રકમ પડાવી લાખોની ઠગાઈમાં સામેલ બિલ્ડર મનીષ પટેલને પકડવા રેસકોર્સ ખાતેના બંગલે પોલીસ પહોંચતાં પરિવારે તાયફો કર્યો હતો. બિલ્ડરની પત્ની અને અન્ય મહિલાએ ડીસીબી પીએસઆઇને ધક્કો મારી મનીષને છોડાવી પોલીસની ફરજમાં અડચણ ઊભી કરી હતી.

ઘરમાં પૂરાયેલો મનીષ ભાગી ન જાય તે માટે આખી રાત પોલીસ તેના ઘેર બેસી રહી હતી.ખોડિયાર નગર ચાર રસ્તા પાસે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબનું બાંધકામ રોકી ઓફિસ તોડી પાડી બિલ્ડર દંપતીએ ગ્રાહકો પાસેથી લાખો રૂપિયાની ઠગાઈ કરી હતી. આ અંગે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પીએસઆઇની સૂચનાથી પોલીસ કર્મી રેસકોર્સ રોડની વૃંદાવન સોસાયટીમાં બિલ્ડરને લઈ જવા રાત્રે 9 વાગે પહોંચ્યા હતા. જેમાં ગોરવાના પોલીસ કર્મી પણ સાથે રહ્યા હતા.

આરોપી મનીષની પત્નીએ દરવાજો ખોલ્યો હતો. તે વેળા મનીષે બહાર આવી તમારાથી થાય તે કરી લો, અત્યારે હું પોલીસ સ્ટેશન નહીં આવું. મારો વકીલ જવાબ લખાવી જશે, તેવો જવાબ આપ્યો હતો. દરમિયાન મનીષ પટેલને પોલીસે બળપૂર્વક બહાર કાઢવાની કોશિશ કરતાં તેણે બૂમાબૂમ કરી હતી. મનીષને પકડવા આવ્યા છે, તેઓને લઈ જવા દેવાના નથી, તેમ જણાવી મનીષા નામની મહિલાએ પીએસઆઇ પાંચિયાને ધક્કો માર્યો હતો. જેથી મનીષ છટકીને ઘરમાં નાસી ગયો હતો. જે બાદ તેની પત્ની રૂપલ સહિત બંને મહિલાએ પોલીસને ઘરમાં પ્રવેશતાં રોકી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *