તારીખ- 22 નવેમ્બર 1963. સ્થળ- અમેરિકાનું ડલાસ શહેર. ખુલ્લી લિમોઝીન કારમાં બેઠેલા અમેરિકી રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડી એક રેલીમાં ગયા. તેમને જોવા માટે રસ્તાની બંને બાજુએ ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. કોઈ કેનેડી સાથે હાથ મિલાવવા માગતું હતું તો કોઈ તેમના પર ફૂલો વરસાવી રહ્યું હતું.
કેનેડી લોકોના આ ઉત્સાહિત ટોળાને જોઈને હસતા હતા. તેઓ કોઈને હાથ હલાવીને અને કોઈને હાથ મિલાવીને અભિવાદન કરી રહ્યા હતા. ત્યાર બાદ ભીડમાંથી બે ગોળી ચલાવવામાં આવી. લોકો કંઈ સમજે એ પહેલાં લોહીથી લથબથ કેનેડી તેની પત્ની જેક્લિન કેનેડી ઓનાસીસના ખોળામાં ઢળી પડ્યા.
જોન એફ. કેનેડીની હત્યાને 60 વર્ષ વીતી ગયાં છે, પરંતુ તેમની હત્યા હજુ પણ એક રહસ્ય છે. ગોળીઓ કોણે ચલાવી? કેમ ચલાવી? કેનેડીને ગોળી મારવાનું સાચું કારણ શું હતું? આ એવા પ્રશ્નો છે, જેના જવાબો મળ્યા નથી.
1963ની વાત છે. યુએસ પ્રમુખ જોન એફ. કેનેડીએ 1964માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારી શરૂ કરી હતી. કેનેડીએ ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારી જાહેર કરી ન હોવા છતાં રાષ્ટ્રપતિ પદ માટે તેમની દાવેદારીની પુષ્ટિ થઈ હતી. તેમને વિશ્વાસ હતો કે તેઓ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે.
કેનેડીએ સપ્ટેમ્બર 1963માં માત્ર એક સપ્તાહમાં નવ રાજ્યમાં જાહેર સભાઓને સંબોધી હતી. આ સમયે કેનેડીનું સૌથી વધુ ધ્યાન ટેક્સાસ પર હતું. વાસ્તવમાં ટેક્સાસમાં તેમની પાર્ટી ડેમોક્રેટ્સના નેતાઓ વચ્ચે પરસ્પર વિવાદ હતો. કેટલાક ડેમોક્રેટ્સ કેનેડીથી નારાજ હતા. ચૂંટણી પહેલાં કેનેડી કોઈપણ ભોગે નેતાઓની નારાજગી દૂર કરવા માગતા હતા.