રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગમાં આજે મોટો વહીવટી ફેરફાર કરાયો છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા તાત્કાલિક અસરથી આરોગ્ય અધિકારીની સત્તાઓ પર કાપ મુકાયો છે. આ સાથે જ આરોગ્ય વિભાગની રોજબરોજની કામગીરીની દેખરેખ માટે મધ્યાહ્ન ભોજનના નાયબ કલેક્ટર કીર્તન એ. રાઠોડને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે તમામ નાણાકીય વ્યવહારો હવે નાયબ કમિશનરની દેખરેખ હેઠળ થશે. શાસક પક્ષના કોર્પોરેટરો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતનાની અનેક ફરિયાદો બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના પગલે મનપાના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
નાણાકીય વહીવટની સંપૂર્ણ જવાબદારી નાયબ કમિશનર સંભાળશે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર હવેથી આરોગ્ય વિભાગની દૈનિક કામગીરી પર મધ્યાહ્ન ભોજન યોજનાના નાયબ કલેક્ટર કીર્તન રાઠોડ દેખરેખ રાખશે. તેમને આરોગ્ય વિભાગની કામગીરીનું મૂલ્યાંકન કરવાની અને સુધારા માટે સૂચનો આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત, આરોગ્ય વિભાગના તમામ નાણાકીય વહીવટની સંપૂર્ણ જવાબદારી નાયબ કમિશનર સંભાળશે. કોઈ નાણાકીય ચૂકવણી કે નિર્ણય તેમની મંજૂરી વિના શક્ય બનશે નહીં. મ્યુ. કમિશનરે આ હુકમનો અમલ તાત્કાલિક શરૂ કરવાનો આદેશ આપ્યો છે, જેથી વહીવટી પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય.