જસદણ નગરપાલિકામાં ફૂડ ઇન્સ્પેક્ટર જ ન હોવાથી નાગરિકો આવી ભેળસેળવાળી ચીજ વસ્તુઓથી આરોગ્ય તો કથળાવી જ રહ્યા છે સાથે આર્થિક રીતે પણ લૂંટાઇ રહ્યા છે તેમ છતાં પાલિકાને ગંભીરતા સમજાતી નથી. જસદણમાં એક પણ એવી દુકાન, મોલ, ડેરી સ્વીટ ફાર્મ, ફરસાણની દુકાન નહી હોય, કે જ્યાં નકલી ખાદ્યપદાર્થ વેચાતાં નહી હોય. આમ છતાં વર્ષોથી ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી પડી છે, જેને ભરવાની પાલિકાને જરા પણ ઉતાવળ નથી. સરકાર એક તરફ ગાઈ વગાડીને લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે ખેવના રાખતા હોવાનું કહે છે.
બીજી તરફ ખાદ્યપદાર્થ વેચનારી દરેક મોટાભાગની દુકાનોમાં હપ્તારાજ હોવાથી કારોબાર ફૂલ્યો ફાલ્યો છે. અનેક એવા ધંધાઓ છે જેમાં ફરસાણથી માંડી દુધ, છાસ, પનીર, મીઠાઈ, કેરી રસ, આઇસક્રીમ, માવો, શિખંડ જે વેચાય છે તે ખાવા લાયક છે કે નહીં તેની તપાસ થવી જરૂરી બને છે.
અમુક ડેરીમાં જે દુધ ભરાય છે તે મોટાભાગનું ભેળસેળ વાળું હોય છે. તેમ છતાં એ પકડાય તો ત્યારે જ કે જ્યારે આવા પદાર્થોનું ચેકિંગ થાય અને તેના સેમ્પલ લેવામાં આવે અને લેબોરેટરીમાં મોકલવામાં આવે તેમજ પરીક્ષણમાં ભેળસેેળ ખુલે ત્યારે કાયદાનો સિકંજો કસાય. આથી જસદણમાં ખાલી પડેલ ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા તાકીદે ભરી લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે ચેડા કરતાં તત્વોને જેલભેગા કરવામાં આવે તેવી લોકોની માગણી છે.