યુવાનના અપહરણ કેસમાં ક્રાઈમ બ્રાન્ચનું પંચનામું પોલીસે દાદાગીરીથી ન જ કર્યું!

ગૌતમ જાનીના અપહરણ કેસમાં હવે રાજકોટના પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ઉપરાંત પશ્ચિમ વિભાગના મહિલા એસીપી પણ ફરિયાદીને અન્યાય કરવાના અભિયાનમાં જોતરાયા હોય તેવું ચિત્ર ઉપસ્થિત થયું છે. એસીપીએ ફરિયાદી યુવાનને બે દિવસ પહેલાં પૂછપરછ માટે યુનિવર્સિટી પોલીસ મથક બોલાવ્યો હતો અને કેટલાક સવાલ જવાબ કર્યા હતા. ફરિયાદી ગૌતમ જાનીએ જ્યારે એસીપી રાધિકા ભારાઈને એવો સવાલ કર્યો કે, ‘બેન અત્યાર સુધીમાં ક્રાઈમ બ્રાન્ચનું પંચનામું, ફરિયાદ કે વિશેષ નિવેદનમાં (બી.બી. બસિયાના નિવેદન સિવાય) તેનો શા માટે ઉલ્લેખ કરવામાં નથી આવ્યો? પોલીસ શા માટે મેહુલ સભાડની કોલ ડિટેઈલ કઢાવતી નથી? આ બે પ્રશ્નોના જવાબ એસીપી ભારાઈ આપી શક્યા ન હતા અને પોલીસ યોગ્ય રીતે જ તપાસ કરતી હોવાનું જણાવી દીધું હતું.

13 જાન્યુઆરીએ ઉષાબેન જાની નામની મહિલાએ તેમના છઠ્ઠા માળે આવેલા ફ્લેટમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં એવું સ્પષ્ટ થયું હતું કે, ઉષાબેનને આપઘાત કરવા માટે મજબૂર કરાયા હતા માટે જ તેઓએ આ પગલું ભરી લીધું હતું. ઉષાબેનના નાના પુત્ર ગૌતમનું 11 જાન્યુઆરીના રાત્રીના 8 શખ્સ અપહરણ કરી ગયા હતા અને 13 જાન્યુઆરી સાંજના પાંચેક વાગ્યા સુધી તેના કબજામાં રાખ્યો હતો. આ અંગે પણ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને તેમાં ગૌતમને કેટલા દિવસ અપહરણકારોએ પોતાના કબજામાં રાખ્યો તેનો ઉલ્લેખ પણ કર્યો છે.

દરમિયાન ગૌતમ જાનીએ રહસ્યસ્ફોટ કર્યો હતો કે, 12 અને 13 જાન્યુઆરી એમ બે દિવસ આરોપીઓ તેને ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલની દેખરેખ હેઠળ કામગીરી કરતી ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ લઈ ગયા હતા. આ વાત ગૌતમે ઉચ્ચ પોલીસ અધિકારીઓ એટલે કે સીપી બ્રજેશકુમાર ઝા સહિતનાઓને કરી હતી, પરંતુ ગૌતમ જાનીનું અપહરણ થયાને આજે 17 દિવસનો સમય વીતી ગયો છે છતાં જેને હમણાં જ રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ સેવા માટે મેડલ એનાયત કરવામાં આવ્યો છે તે પોલીસ કમિશનર ઝા આ પ્રકરણમાં વિશિષ્ટ પ્રકારની કામગીરી કરીને ફરિયાદીને અન્યાય પર અન્યાય કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *