રાજ્યભરમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે એક દિવસમાં એક જ જિલ્લામાં રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રીની કારના અકસ્માતની અલગ અલગ ઘટના સામે આવી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાઇલોટિંગ કરતી કાર બાઇક સાથે અથડાઇ હતી. જ્યારે સુરેશ મહેતાની કાર ટ્રક સાથે અથડાઇ હતી. સદનસીબે આ બંને અકસ્માતમાં કોઇ જાનાહાનિ થઇ નથી. જોકે, એક બાઇક ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી છે.
લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ચોરણીયા ગામના પાટીયા પાસે ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો હતો. જેમાં પાઇલોટિંગ કરતી પોલીસની કાર બાઈક ચાલક સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં બાઇક ચાલક આધેડના પગે ઈજા પહોંચી હતી. જે બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તરત ઇજા પામનાર આધેડ પાસે દોડી ગયા હતા અને માનવતા દાખવીને તરત જ ઇજા પામનારા આધેડની સારવાર માટેની વ્યવસ્થા કરી લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.