રાજકોટનાં ઢોર ડબ્બામાં 27 ગાયનાં મોતનો વિપક્ષનો આરોપ!

રાજકોટના ઢોર ડબ્બામાં અતિશય વરસાદને લઈ 27 ગાયના મોતનો આરોપ કોંગ્રેસ, આમ આદમી પાર્ટીનાં ભરવાડ સમાજના આગેવાનોએ લગાવ્યો હતો તેમજ વરસાદનાં કારણે છેલ્લા ત્રણ દિવસથી ઢોર ડબ્બામાં ગાયોને પૂરતો ઘાસચારો આપવામાં ન આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું. જોકે, મનપાનાં વેટરનરી ઓફિસરે વિપક્ષનાં આ તમામ આરોપો ફગાવ્યા હતા અને હાલ વરસાદી વાતાવરણનાં કારણે બીમારીથી બે દિવસમાં અલગ-અલગ 11 પશુઓના મોત થયાનું તેમજ તેમાં એકપણ ગાય નહીં હોવાનું જણાવ્યું હતું. આ સાથે દરરોજ બે વખત પશુઓને પૂરતો ઘાસચારો અપાતો હોવાનો દાવો કર્યો હતો.

કોંગ્રેસના નેતા અને ભરવાડ સમાજના આગેવાન રણજીત મૂંધવાનાં જણાવ્યા મુજબ તંત્રની બેદરકારીને કારણે મનપાનાં ઢોર ડબ્બામાં 27 ગાયોનાં મોત થયા છે. આ અંગેની જાણ થતાં પોતે અન્ય આગેવાનો સાથે ત્યાં દોડી ગયા હતા. જેમાં ત્રણ દિવસથી ગાયને ઘાસચારો નહીં અપાયો હોવાને કારણે ગાયો ટ્રેક્ટરના વાયર ખાવા મજબૂર થઈ હોવાનું જોવા મળ્યું હતું. જીવદયા ટ્રસ્ટના પ્રમુખને પૂછતાં તેમણે મહાનગરપાલિકા દ્વારા દરરોજ એક વખત ગાય સહિતના પશુઓને ઘાસચારો અપાતો હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *