રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન ચૂંટાયેલી પાંખમાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર તરીકે ઓબીસીના ચહેરા ગણાતા ડો. પ્રદીપ ડવને પદ અપાયું હતું અને ત્યારબાદ હાલ જનરલ કેટેગરીમાંથી નયનાબેન પેઢડિયા જવાબદારી સંભાળી રહ્યા છે. એક વર્ષ બાદ ફરી મનપાની ચૂંટણી યોજાવાની છે તે પહેલાં સરકારે રોસ્ટર જાહેર કરીને હવે પછીના મેયર પદ માટેની જગ્યા પણ બિનઅનામત જ રહેશે તેવું કહી દીધું છે.
રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન પદમાં અનામત લાગુ નથી જ્યારે મેયર પદ માટે રોસ્ટર આવી રહ્યા છે. હાલ મહિલા અનામત હોવાથી નયનાબેન પેઢડિયા જ્યારે તેમના પહેલાની ટર્મમાં ઓબીસી અનામત હોવાથી તેમાં ડો. પ્રદીપ ડવ હતા. નયનાબેને પણ પદ સંભાળ્યાને દોઢ વર્ષ જેવો સમય વીતી ગયો છે અને એક વર્ષ બાદ ચૂંટણી આવતા 2026ની શરૂઆતમાં જ નવી પાંખ ચૂંટાઈને હોદ્દો સંભાળશે ત્યારે આ મેયર પદ બિનઅનામત રહેશે તેવું નોટિફિકેશન રાજ્ય સરકારે બહાર પાડ્યું છે. બે ટર્મ બાદ ફરીથી મેયર પદ બિનઅનામત થતા અત્યારથી જ પદ માટે કોણ કોણ આગળ આવી શકે છે તેની ચર્ચાઓ શરૂ થઈ છે. તે અઢી વર્ષની મુદત પૂરી થાય એટલે એસસી કેટેગરીમાં મહિલા અનામત લાગુ પડશે. આ રીતે જોતા સરકારે એક વર્ષ પહેલાં જ અનામત જાહેર કરી દેતા અત્યારથી જ રાજકીય ગણતરીઓ શરૂ થઈ છે.