રાજકોટ મહાનગરપાલિકા ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં ભારે ભેદભાવ રાખતી હોવાનું ચિત્ર ઊભરીને સામે આવ્યું છે. વાણિજ્યિક ગેરકાયદે બાંધકામો કે જે નિયમ વિરુદ્ધ હોય અને તેવા દબાણોને હટાવવા માટે સુપ્રીમ કોર્ટની પણ સૂચનાઓ મળી છે તેમ છતાં આવા દબાણો દૂર કરવાને બદલે રહેણાક મકાનો કે જે હટાવવામાં સૌથી વધુ કાયદાકીય ગૂંચ આવે છે તેમાં જ અધિકારીઓ રચ્યા પચ્યા રહે છે. વાણિજ્યિક દબાણો દૂર કરવામાં અનેક નેતાઓ પીઠબળ પૂરું પાડતા હોવાનું કારણ તેમાં જવાબદાર છે.
શહેરના ડો.યાજ્ઞિક રોડ પર પૂર્વ ટીપીઓ સાગઠિયાના ઈશારે અનેક ગેરકાયદે બાંધકામો ઈમ્પેક્ટના નામે બંધાઈ ગયા છે. આ પૈકી એક ઉદાહરણ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવના બિલ્ડિંગનું છે જેને 260(2)ની નોટિસ અપાયાના બે વર્ષ બાદ પણ ડિમોલિશનની વાત તો દૂર શો-રૂમ બનાવવા માટે ખાસ પ્રકારની છૂટ આપી દેવાઈ હતી. આ કારણે જ્યાં માત્ર એક માળનું જૂનવાણી મકાન હતું ત્યાં હવે માર્જિન સ્પેસ છોડ્યા વગરનો મસમોટો શો-રૂમ બની ગયો છે. આવા બીજા અનેક ગોરખધંધાના ઉદાહરણ કાલાવડ રોડ પર પણ મળે છે.
મોટામવા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર જ ફાયર એનઓસી, બાંધકામ પરવાનગી, બી.યુ. વગર અનેક શો-રૂમ, હોટેલ ધમધમી રહ્યા છે. એકપણ નિયમનું પાલન કરવામાં આવતું નથી. કાર્યવાહીના નામે નોટિસ અપાય છે. આ નોટિસની સમય મર્યાદા વધુમાં વધુ 15 દિવસ હોય પણ અહીં તો 1 માસથી માંડી બે બે વર્ષ વીતી ગયા છતાં કોઇ કાર્યવાહી થઈ નથી.