રાજકોટમાં બનેલી એક ઘટનાથી પાષાણ હ્રદયનો માનવી પણ પીગળી જાય તેવી સ્થિતિ જોવા મળી છે. રાજકોટનાં ગોંડલ રોડ પર આવેલા કાઠિયાવાડ બાલાશ્રમના દરવાજે પારણામાં કોઈ મહિલા એક દિવસના બાળકને ત્યજીને ફરાર થઈ ગઈ હતી. આ બાળકને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું. પરંતુ તેનો જીવ બચી શક્યો નહોતો. આ નિષ્ઠુર માતાએ પોતાના બાળકને ત્યજી દઈ તેને મોતના મુખમાં ધકેલી દીધું હતું. જેથી આ મામલે કાઠીયાવાડ બાલાશ્રમ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણી મહિલાની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટના ગોંડલ રોડ પર આવેલ કાઠીયાવાડ બાલાશ્રમના ગેટ એક પારણુ રાખવામાં આવ્યું છે. જ્યાં અનાથ બાળકોને પારણામાં મુકી બાલાશ્રમના હવાલે છોડી દેવામાં આવે છે. ગઈકાલે રાત્રે 12.45 વાગ્યે કાઠીયાવાડ બાળાશ્રમના પારણાની પાસે રાખેલી ડોર બેલ વાગી હતી. જેથી બાલાશ્રમના ગૃહપતિ જયોત્સનાબેન બહાર નીકળ્યા હતા ત્યારે પારણામાં એક નાનુ બાળક જોવા મળ્યું હતું અને તે રડતું હતું. જેથી તાત્કાલિક 108ને જાણ કરવામાં આવતાં તેને સારવાર અર્થે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ આ નવજાત બાળકનું મોત થયું હતું.