શહેરના લક્ષ્મીનગરની યુવતીને મોરબી રોડ પર રહેતા તેના સાસરિયાઓએ માનસિક ત્રાસ આપ્યો હતો, સાસુ કહેતી સવારે ચા જ પીવાની અને બપોરે બે જ રોટલી ખાવાની, પતિ મોબાઇલમાં રિચાર્જ પણ કરી દેતો નહીં અને પરિણીતાના ભાઇના લગ્નમાં પણ પતિ સહિતના સાસરિયા પક્ષના કોઇ વ્યક્તિ ગયા નહોતા.
લક્ષ્મીનગરમાં પિતા કિશોરભાઇ પાંભરના ઘરે દસેક દિવસથી રહેતી ખ્યાતિ લીંબાસિયા (ઉ.વ.32)એ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ પરના સેટેલાઇટ ચોકમાં રહેતા પતિ પાર્થ દેવરાજ લીંબાસિયા, સસરા દેવરાજ ભનુ લીંબાસિયા, સાસુ ગીતા લીંબાસિયા અને નણંદ વિરાલી ભાવિન ઠુંમરના નામ આપ્યા હતા. ખ્યાતિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન વર્ષ 2022માં પાર્થ લીંબાસિયા સાથે થયા હતા, લગ્નના બે મહિના બાદ સાસુ સસરા નાની-નાની બાબતોમાં ઝઘડા કરવા લાગ્યા હતા, નણંદ વિરાલી અવારનવાર પિયર રોકાવા આવીને ચડામણી કરતી હતી, સાસુ કહેતા કે ‘સવારમાં ખાલી ચા જ પીવાની અને બપોરે બે જ રોટલી ખાવાની’. ખ્યાતિ આ અંગે પતિ પાર્થને કહેતી તો પતિ કહેતો કે મારા માતા કહે તેમ જ તારે રહેવાનું, પતિ મોબાઇલનું રિચાર્જ પણ કરી દેતો નહોતો.
પતિ સહિતના સાસરિયાં કૌટુંબિક દેરાણી-જેઠાણી સાથે વાતચીત કરવા દેતા નહોતા, નણંદના ત્રાસ અંગે પતિને વાત કરી તો તેણે કહ્યું કે, વિરાલી કહે તેમ જ કરવાનું પોસાય તો અહીં રહે, સાસરિયાના ત્રાસથી કંટાળી તે સમયે ખ્યાતિ પિયર જતી રહી હતી અને છ મહિના ત્યાં રહી હતી, તે વખતે તેના સગા ભાઇના લગ્ન હતા અને આમંત્રણ આપ્યું હતું છતાં પતિ પાર્થ કે સાસુ-સસરા સહિતના કોઇપણ વ્યક્તિ લગ્નમાં ગયા નહોતા. ત્યારબાદ સમાધાનની બેઠક મળી હતી પરંતુ ખ્યાતિને તેડવા નહી આવતા બે મહિના પહેલા ખ્યાતિ સામેથી સાસરે જતી રહી હતી. ત્યારબાદ પણ પતિ કે સાસરિયાના વ્યવહારમાં કોઇ ફર્ક પડ્યો નહોતો, ખ્યાતિ સાસરે ગઇ તો પતિ પાર્થ ઘરેથી કહ્યા વગર ક્યાંક જતો રહેતો હતો અને સાસુ સસરાને પૂછતી તો અમને ખબર નથી તેવા જવાબો મળતા હતા, અંતે સાસરિયાના ત્રાસથી કંટાળી દસ દિવસથી યુવતી પિતાના ઘરે આવી ગઇ હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.