લોકમેળામાં સૌથી મોંઘુ આઈસ્ક્રીમનુ ચોકઠું રૂ. 4.50 લાખનું

રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આગામી તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાતીગળ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે રાઈડસ રાખવા માટેની રાજ્ય સરકારની કડક SOPનો વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ સ્ટોલ કે પ્લોટના ભાડાની વાત કરીએ તો લોકમેળામાં આઇસ્ક્રીમના ચોકઠાનું 5 દિવસનું ભાડું સૌથી વધુ રૂ.4,50,000 છે. જ્યારે 50 બાય 80 ફૂટની સૌથી મોટી રાઇડનું ભાડું રૂ.4,20,000 છે. ગત વર્ષની તુલનામાં આ વખતે રમકડાના સ્ટોલની સંખ્યામાં 20નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે એક યાંત્રિક રાઈડ વધી છે. તેમાં પણ 45 બાય 70ની F કેટેગરીની યાંત્રિક રાઈડમાં 4નો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના પરથી એવું લાગી રહ્યું છે કે છેલ્લી ઘડીએ તમામ રાઈડ ધારકો રાઈડ રાખવાની ના પાડી દે તો તે જગ્યા પર પ્લૉટ ફાળવણી કરવા માટે વહીવટી તંત્રની પૂર્વ તૈયારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ શહેરની લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટરના જણાવ્યાં મુજબ, આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાનમાં 14 થી 18 ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે તા.9 થી તા.13 જૂન સુધી રૂ.200 ની રોકડ સાથેનું અરજી પત્રક શાસ્ત્રી મેદાન પાસેની ઇન્ડિયન બેંક અને જૂની કલેકટર કચેરીમાં નાયબ કલેકટર કચેરીમાં રાજકોટ સીટી પ્રાંત 1 સમક્ષ સવારે 11 થી બપોરે 16 વાગ્યા સુધી મળી શકશે. ભરેલું અરજી પત્રક ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ઇન્ડિયન બેંક ખાતે 13 જૂન સુધી સવારે 11 થી બપોરે 16 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. બાદમા સ્ટોલ/પ્લૉટની ડ્રો તેમજ હરરાજી રાજકોટ સીટી પ્રાંત 1 કચેરી ખાતેના મિટિંગ રૂમ ખાતે યોજાશે. ડ્રો માટેની તારીખ 23 જૂન તો હરરાજી 24,25 અને 26 જૂન એમ 3 દિવસ રાખવાનું જાહેર કરાયું છે.

રાજકોટમાં ગત વર્ષે TRP ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં યોજાતા મેળામાં રાઈડ હેઠળ RCC ફાઉન્ડેશન, GST સાથેનું બિલ સહિતની કડક SOPનો ગુજરાત મેલા એસોસિએશન દ્વારા વિરોધ થઈ રહ્યો છે અને ગઈકાલે જ મેળાના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે બીજી તરફ રાજકોટમાં લોકમેળામાં આજે બીજા દિવસે રાઈડ ધારકોએ એક સાથે 20 ફોર્મ ઉપાડ્યા છે. 2 દિવસમાં 25 ફોર્મ ઉપડી ગયા છે. જેમાં રાઈડ સિવાયના 5 ફોર્મ છે. હજૂ 13 જૂન સુઘી સ્ટોલ/પ્લૉટ ધારકો ફોર્મ ભરી શકશે. મેળામાં રાઈડ રાખનારાઓમાં તડા હોવાનુ સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *