રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખાએ 14 એપ્રિલ એટલે કે નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે શહીદોને શ્રધ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પાણીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગત ફાયર સર્વિસ ડે અને આ વર્ષ દરમિયાન ટીઆરપી અગ્નિકાંડ અને એટલાન્ટિસ અગ્નિકાંડ જેવી બે મોટી આગની ઘટનાઓ બની છે. માત્ર 40 દિવસમાં જ 200થી વધુ નાની મોટી ઘટનાઓ બની છે. આ એક વર્ષ ફાયર શાખા માટે ખુબ જ કપરું રહ્યું હતું.
આ ફાયર સર્વિસ ડેની સૌથી નોંધનીય બાબત એ હતી કે, ગત વર્ષે ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સહિત સ્ટેશન ઓફિસર શ્રધ્ધાંજલિ પાઠવવા માટે હતા તે પૈકીના મોટાભાગના અધિકારીઓ જેલમાં છે અથવા તો રાજીનામું આપી ચૂક્યા છે તેથી આ મનપાના ઈતિહાસનો એવો પ્રથમ સર્વિસ ડે રહ્યો જેમાં ફાયર શાખાના કોઇ ઉચ્ચ અધિકારી જ ન હતા, ફક્ત ઈન્ચાર્જથી અને તે પણ રાજીનામું મુકેલા ફાયર ઓફિસરથી કામ ચલાવવું પડ્યું હતું. મનપાના અધિકારી અને પદાધિકારીઓએ આગ સહિતની ઈમરજન્સીઓમાં લોકોના જીવ બચાવવા માટે શહીદ થયેલા જવાનોને યાદ કરી મૌન પાળી પુષ્પાંજલિ અર્પી હતી. આ ઉપરાંત રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.