રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકો ભડથું થઈ ગયા હતા. જેમાં કેટલાંક બાળકો પણ આગમાં હોમાયાં હતાં. આ ઘટનાને એક મહિના કરતાં વધુ સમય વીતી જવા છતાં મૃતકોનાં પરિવારજનોની આંખોનાં આંસુ હજી સુકાયાં નથી. ત્યારે એક માતાએ પોતાના દીકરાની યાદ હાથમાં કંડારી છે. દીકરાના અસ્થિ શાહીમાં ભેળવીને માતાએ પોતાના હાથ પર પુત્રની તસવીરનું ટેટૂ ચિતરાવ્યું છે. આર્ટિસ્ટ આ માતાના હાથમાં તેમના દીકરાની તસવીરનું ટેટૂ ચીતરતો હતો ત્યારે માતાની આંખમાંથી સતત આંસુની ધારા વહી રહી હતી.
રાજકોટના TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં કુલ 27 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અનેક બાળકોનો સમાવેશ થાય છે. આવું જ એક બાળક એટલે રાજભા ચૌહાણ.. શહેરના નિર્મલા રોડ પર રહેતા ચૌહાણ પરિવારનો લાડકવાયો તેમના ભાંડેળાઓ સાથે તારીખ 25 મે, 2024ની સાંજે નાનામવા રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં રમવા માટે ગયો હતો. ઘરેથી હસતા મોઢે નીકળેલો રાજભા ચૌહાણ પરત નહીં આવે તેવું કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું નહોતું. પરંતુ ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં રાજભાનું મૃત્યુ નીપજતા પરિવાજનોને તેમના લાડકવાયાના માત્ર અસ્થિ જ હાથમાં આવતાં આ અસ્થિ સાથે માતાની વેદના જોવા મળી છે.