વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં સર્જાયેલા ખાડા, પાણીની સમસ્યા, પાણીનો ભરાવો, હરણી બોટ કાંડના પીડિતોને ન્યાય નહીં મળવો અને વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર જેવા વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરવા માટે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વડોદરા કોર્પોરેશનમાં ભારે હલ્લાબોલ કર્યો હતો. મેયર ઉપસ્થિત ન હોવાથી રોષે ભરાયેલા કાર્યકરોએ “મેયર રાજીનામું આપો” ના સૂત્રોચ્ચાર સાથે મેયરની ચેમ્બરની બહાર લગાવેલી નેમ પ્લેટ તોડી નાખી હતી અને દરવાજા પર કાળી શાહી છાંટીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ બનાવમાં પોલીસે બે મહિલા સહિત 8 કાર્યકરોની અટકાયત કરી હતી.
પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં પણ ઠેર-ઠેર ખાડા પડી ગયા છે, વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરીનો જવાબ આપવા માટે મેયર તૈયાર નથી. હરણી બોટ કાંડમાં હજુ ન્યાય આપવામાં આવ્યો નથી. ત્યારે આમ આદમી પાર્ટીનો મોરચો વડોદરા કોર્પોરેશન ખાતે મેયર પિન્કીબેન સોનીને રજૂઆત કરવા માટે આવ્યો હતો. જોકે મેયર ઉપસ્થિત ન હોવાથી કાર્યકરોએ મેયરની ચેમ્બરની બહાર મેયર રાજીનામું આપો, હરણી બોટ કાંડના પિડીતોને ન્યાય આપો, પાણીની સમસ્યા હલ કરો, રોડ ઉપર પડેલા ખાડા દૂર કરો..જેવા સૂત્રોચાર કર્યા હતા.