આ વર્ષે ઓગસ્ટથી ચાલી રહેલી મરાઠા આરક્ષણની માગ મહારાષ્ટ્રમાં હિંસક બની છે. સોમવારે બીડના માજલગાંવમાં એનસીપી અજિત પવાર જૂથના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર અને કાર્યાલય પર અનામતની માગ કરી રહેલા ડઝનેક લોકોએ પથ્થરમારો કર્યો હતો. સેંકડો પ્રદર્શનકારીઓએ અહીં ડઝનેક બાઇક અને કારને પણ આગ લગાવી દીધી હતી.
હાલમાં જ એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકેનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેઓ મરાઠા આરક્ષણની માગ કરી રહેલા નેતા મનોજ જરાંગે વિરુદ્ધ કંઈક કહેતા જોવા મળ્યા હતા. આજે આ વીડિયો તેના ઘર અને ઓફિસ પર હુમલાનું કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટના બાદ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
વિધાનસભ્ય પ્રકાશ સોલંકેએ ઘટના વિશે જણાવ્યું – હુમલો થયો ત્યારે હું મારા ઘરની અંદર હતો. જો કે મારા પરિવારના કોઈ સભ્ય કે કર્મચારીને ઈજા થઈ નથી. અમે બધા સુરક્ષિત છીએ પરંતુ આગને કારણે જાનમાલનું મોટું નુકસાન થયું છે.