જેતપુરમાં ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનના મેનેજરને કારખાનાને ક્લોઝર બાબતે બે શખ્સએ ઘર પાસે આવી બેફામ ગાળો કાઢી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે બન્ને શખ્સ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. અમને ક્લોઝર માઠે કેમ ફોન કરે છે તેમ કહીને આરોપીએ ગાળાગાળી કરી હતી. આથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
જેતપુર શહેરના પાંચપીપળા રોડ પર રહેતા અને ડાઇંગ એસોસિએશનમાં મેનેજર તરીકે નોકરી કરતા દીપકભાઈ ભટ્ટે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના ફોનમાં પ્રતિક વિરડીયા નામના શખ્સનો વારંવાર ફોન આવતો હતો પરંતુ વ્યસ્તતાને કારણે ફોન રિસીવ થઈ શક્યો ન હતો અને રાતે સામેથી ફોન કરતાં પ્રતિક વિરડીયાએ એમ કહ્યું કે હું વલ્લભભાઈ બોરડ બોલુ છું. અને કહ્યું કે, તમે દીપક રૂપારેલીયાને ક્લોઝર બાબતે ફોન કર્યો હતો તમે કેમ ફોન કરી શકો ? તમે કમિશનર છો ? તું એસો.નો પ્રમુખ નથી અને તારે ક્લોઝર છે કે નહીં તેવો ફોન કરવાનો ન હોય. જેથી મેં કહ્યુ઼ કે અમારા એસો.મા જી.ઈ. બી. તરફથી ક્લોઝરવાળા એકમોની યાદી આવી છે જેમાં દીપકભાઈ રૂપારેલીયા, વલ્લભભાઈ ખોડાભાઈ બોરડના નામના કારખાનાની યાદી છે. આ કારખાનામા જી.ઈ.બીનું મીટર દીપકભાઈ તારપરાના જૂના નામનુ હોય જી.ઈ.બી બીલની કોપી લઈ ગ્રાહક નંબર વેરીફાય કરવા માટે ફોન કર્યો હતો. તેમ કહેતાં જ પ્રતિક એકદમ ઉગ્ર બની ગયો હતો અને ફોનમાં જ અપશબ્દો કરી ધમકી આપી કે હું હમણાં તારા ઘરે આવું છું અને તારા ટાંટિયા ભાંગી નાખીશ એમ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં પ્રતિક અને ભુરીયો ઘર પાસે આવ્યા હતા ને મને ધમકી દીધી હતી કે ઘરની બહાર નીકળ તને જીવતો રહેવા દેવો નથી તેમ કહીને શેરીમા જેમફાવે તેમ બંને બોલવા લાગેલ. માણસો ભેગા થતાં ત્યાંથી જતાં રહ્યા હતાં. પોલીસે આ ફરિયાદના આધારે ધરપકડ ની કાર્યવાહી હાથ ધરી છે.