આધારકાર્ડમાં જન્મતારીખ સુધારી દેવા મુદ્દે શખ્સે કર્મીને માર્યો

કોટડા સાંગાણીની મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ કાઢી આપવાનું કામ કરતા કર્મચારી સાથે બે શખ્સે આધાર કાર્ડમાં જન્મતારીખ સુધારી આપવા મુદે બબાલ કરી હતી અને કર્મચારીએ જન્મતારીખનો આધાર લઇ આવવાનું કહેતાં બન્ને ઉશ્કેરાઇ ગયા હતા અને ઢીકાપાટુનો માર મારી, ગરદનના ભાગે બટકું ભરી લીધું અને આટલું ઓછું હોય તેમ જાનથી મારી નાખવાની ધમકી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવાતાં પોલીસે બીએનએસની કલમ 115 (2),352,351 (3),54, 296 મુજબ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. કોટડા સાંગાણીની મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ વિભાગમાં કામ કરતા શક્તિસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ઓફિસમાં આધાર કાર્ડ કાઢવાનું કામ કરતો હતો ત્યારે અહીંના ભરતભાઇ જગદીશભાઇ બવ અને અન્ય એક અજાણ્યો શખ્સ મારી પાસે આવ્યા હતા અને ભરતભાઇએ મને કહ્યું કે તમે આ ભાઇના આધારકાર્ડમાં જન્મતારીખ કેમ સુધારી આપતા નથી? ત્યારે મેં જવાબ આપ્યો હતો કે પહેલાં તમે જન્મતારીખનો દાખલો લઇને આવો એટલે સુધારી આપીશ. તેમ કહેતાં જ ભરત ઉશ્કેરાઇ ગયો હતો અને મને જેમ ફાવે તેમ ગાળાગાળી કરવા લાગ્યો હતો.

મેં તેમને ત્યારે કહ્યું કે આ ઓફિસ છે અને આવું વર્તન ન કરાય. તમે જન્મ તારીખનો સાચો દાખલો લઇને આવો, તેના પરથી જ હું કરી આપી શકું. તેમ છતાં આ બન્ને શખ્સે મારી સાથે ગાળાગાળી ચાલુ રાખી હતી. આથી મેં મામલતદારને ફરિયાદ કરતાં મને ઓફિસના મેદાનમાં લઇ ગયા અને મારી સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા અને એટલું ઓછું હોય તેમ ઢીકાપાટુનો માર મારી ગરદન પાસે બટકું ભરી લીધું હતું. એટલું જ નહીં, છાતી અને મોઢાના ભાગે નખ વગાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *