સશસ્ત્ર હુમલામાં ઘવાયેલા વૃદ્ધનાં મોતથી બનાવ હત્યામાં પલટાયો

બોટાદના હડદડ ગામે પિતા-પુત્રને કારની ઠોકરે લીધા બાદ છ શખ્સોએ ધોકા પાઇપના ઘા ઝીંક્યા હતા, હુમલામાં ઘવાયેલા વૃદ્ધનું રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો હતો, શેરીમાં બાઇક ગજવવાની ના કહેતા વૃદ્ધ અને તેના પુત્ર પર હુમલો કરાયો હતો.

હડદડ ગામે રહેતો રામકુ જીલુભાઇ ખાચર (ઉ.વ.38) અને તેના પિતા જીલુભાઇ આપાભાઇ ખાચર (ઉ.વ.80) ગત તા.11ના સવારે વાડીએથી બાઇકમાં ગામ તરફ જવા નીકળ્યા હતા ત્યારે હડદડ કાનિયાડ ચોકડી તરફથી કાર ધસી આવી હતી અને બાઇકને ઉલાળ્યું હતું, બાઇક પરથી પિતા-પુત્ર રસ્તા પર પટકાતા રાજુ અનક ખાચર, રાજવી શિવકુ ખાચર, યોગીરાજ રણજીત ખાચર અને ત્રણ અજાણ્યા શખ્સો ધોકા પાઇપથી રામકુ અને તેના પિતા જીલુભાઇ પર તૂટી પડ્યા હતા. દેકારો થતાં લોકો એકઠા થઇ જતાં હુમલાખોરો નાસી ગયા હતા, હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા જીલુભાઇને બોટાદ બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમનું શુક્રવારે સારવાર દરમિયાન મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે હત્યાની કલમ ઉમેરી વિશેષ કાર્યવાહી શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *