રાજકોટમાં એક મહિના પહેલા માસૂમ બાળકના મળેલા મૃતદેહની ઓળખ થઈ ગઈ છે. સગી માતાએ પોતાનાં 2 વર્ષના માસૂમ બાળકને કૂવામાં ફેંકી હત્યા નીપજાવી હોવાનો ઘટસ્ફોટ થતાં ફિટકાર વરસી રહ્યો છે. કુવાડવા પાસે બેટી રામપરા ગામના પાટિયા પાસે વાડીના કૂવામાંથી આશરે 2 વર્ષના બાળકનો મૃતદેહ ગત 23 મી ફેબ્રુઆરીના રોજ મળી આવ્યો હતો. જે મૃતદેહ રાજકોટના ભારતનગરમાં રહેતી ભાવના ઉર્ફ ભાવુ રણછોડ કીહલાના પુત્ર રાયધનનો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
પત્નીને આ પુત્ર પ્રેમી થકી જનમ્યો હોવાની શંકાના આધારે પતિ ઝઘડા કરતો હતો. જેથી પત્નીએ આ બાળક પ્રેમી પાસે મુકી આવે છે તેવું કહી બાળકને કૂવામાં ફેંકી દીધો હતો અને બાળકની તેના પિતાએ હત્યા કરી હોવાની ખોટી સ્ટોરી પોલીસને જણાવી હોવાનુ સામે આવ્યુ છે. જોકે એરપોર્ટ પોલીસ મથક વિસ્તારમા બનેલી આ ઘટનાનો ભેદ થોરાળા પોલીસે ઉકેલી નાખ્યો છે અને માસૂમ પુત્રની હત્યા નિપજાવતી માતાની અટકાયત કરવામા આવી હોવાનુ જાણવા મળી રહયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બેટી રામપરાના પાટીયા નજીક ભારત બેન્જ કંપનીના શો રૂમ સામે ગત તા. 23 ફેબ્રુઆરી, 2025ના જયેશભાઇ બાંભણીયાની વાડીના કૂવામાં એક બાળકનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડ, 108ની ટીમ અને એરપોર્ટ પોલીસની ટીમોએ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બાળકનો મૃતદેહ બહાર કાઢીને જોતાં આશરે આશરે અઢીથી ત્રણ વર્ષની ઉમર જણાઇ આવી હતી. તેમજ મૃત્યુ આશરે 2 દિવસ પહેલા થયાનો અંદાજ મૃતદેહને જોતાં લગાવાયો હતો.જેથી એરપોર્ટ પોલિસે તપાસ શરૂ કરી હતી પરંતુ બાળક કોણ છે? તેની ઓળખ થઇ નહોતી. દરમિયાન આ ગુનાનો ભેદ થોરાળા પોલીસે ઉકેલ્યો છે. બાળકની ઓળખ થવાની સાથે સાથે તેની હત્યા તેની જ સગી માતાએ કર્યાનું ખુલતાં હવે આગળની તપાસ એરપોર્ટ પોલીસ કરી રહી છે.