ગોંડલના ભોજરાજપરામાં ગોલ્ડન ગ્રુપ દ્વારા આયોજિત હોરી કે રસિયા ફૂલફાગ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. આ કાર્યક્રમમાં 650 કિલો ફૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત લોકોને પ્રસાદ સ્વરૂપે 3000 કુલ્ફી અને ગરમ ગાંઠિયા વિતરણ કરવામાં આવ્યા હતા.
ગોલ્ડન ગ્રુપ 1997થી અશોકભાઈ પીપળીયાના નેતૃત્વમાં કાર્યરત છે. છેલ્લા 10 વર્ષથી હોળી અને જન્માષ્ટમી બે મુખ્ય તહેવારોની ભવ્ય ઉજવણી કરે છે. ભોજરાજપરા માર્ગ નંબર 13 પર શેરી નંબર 22ના ખૂણે હોળી પ્રગટાવવામાં આવે છે. શેરી નંબર 24 પર હોરી કે રસિયાનો કાર્યક્રમ યોજાય છે.
કાર્યક્રમમાં પૂર્વ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નાગરિક બેન્કના ચેરમેન અશોકભાઈ પીપળીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ શેખડાએ કર્યું હતું.
જન્માષ્ટમીની ઉજવણીમાં ગ્રુપ દ્વારા 500 વારના પ્લોટમાં વિવિધ થીમ આધારિત ફ્લોટ તૈયાર કરવામાં આવે છે. શોભાયાત્રા દરમિયાન ભક્તોને છાસનો પ્રસાદ આપવામાં આવે છે. મોટી LED સ્ક્રીન પર શોભાયાત્રાનું લાઈવ પ્રસારણ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગોંડલ શહેર, આસપાસના ગામો અને રાજકોટથી મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.