જેતપુરના ખીરસરાની સરકારી શાળાની ઇમારત જર્જરિત, વિદ્યાર્થીઓ ગોડાઉનમાં ભણવા મજબૂર

જેતપુર તાલુકાના ખીરસરા ગામે ગ્રામ પંચાયત સંચાલીત હાઇસ્કુલની ઇમારત અતિ જર્જરીત અવસ્થામાં હોવાથી છેલ્લા 25 વર્ષથી 100 ટકા પરીણામ લાવતી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સહકારી મંડળીના ગોડાઉનમાં ભણવા માટે મજબુર થયા છે. ગ્રામ પંચાયતના સરપંચ જેતપુરમાં રહેતા હોય અને તે અઠવાડિયામાં એક બે દિવસ જ આવતા હોય વિદ્યાર્થીઓનો નવી ઇમારતનો પ્રશ્ન ભગવાન ભરોસે મુકાઈ ગયો છે.

ભણે ગુજરાત, ભાર વગરનું ભણતર, સ્માર્ટ કલાસ આવું બધું સરકારે આપેલ સરકારી જાહેરાતમાં સારું લાગે, વાસ્તવિક રીતે જોવા જઈએ તો વિદ્યાર્થીઓ જર્જરિત ઇમારતોમાં અથવા તો શાળાની ઇમારતના ઠેકાણા ન હોય તો ખુલ્લામાં ભણતા હોય છે. આવી જ એક હાઈસ્કૂલની જેતપુર તાલુકાના ખીરસરા ગામે આવેલી છે.

નવચેતન હાઈસ્કૂલ ખીરસરા ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલ છે જેમાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા છે, કોમ્પ્યુટર છે, પ્રોજેક્ટર છે, લેબના સાધનો છે, સ્માર્ટ ટીવી સ્ક્રીન છે, સ્ટાફ પણ પૂરતો છે તો હવે ઘટે શું તે પ્રશ્ન થતો હશે તો ઘટે હાઈસ્કૂલની ઇમારત !

ખીરસરા ગામમાં ઇ.સ. 1961માં ગ્રામ પંચાયત સંચાલીત નવચેતન હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી. એટલે હાઈસ્કૂલને 65 વર્ષ જેટલો સમય થઈ જતા તત્કાલિન સમયે બનાવેલ ઇમારત હાલ અતિ જર્જરીત અને ગમે ત્યારે ધરાશાયી થઈ જાય તેવી થઈ ગઈ અને ચોમાસામાં ક્લાસમાં પાણી પણ પડતું હોવાથી દોઢ વર્ષ પૂર્વે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે હાઈસ્કૂલ સ્ટાફ દ્વારા ગ્રામ પંચાયત પાસે વૈકલ્પિક વ્યવસ્થારૂપે ઇમારત માંગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *