કુમારીકાઓને કુમકુમ પગલાં પડાવી શાળામાં સ્વાગત કરાયું

રાજકોટમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે ત્રિ-દિવસીય કાર્યક્રમનું શૃંખલામાં કન્યા કેળવણીની અનિવાર્યતાનો મંત્ર ગુંજતો રહ્યો હતો. યુનિવર્સિટી રોડ ઉપર આવેલી શીવશક્તિ પ્રાથમિક શાળા નં. 92 અને રવિન્દ્રનાથ ટાગોર શાળા નં. 64ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના સમારોહમાં કાર્યક્રમના અધ્યક્ષ પદે રાજકોટ શહેર ભાજપના મહામંત્રી ડો. માધવભાઈ દવેએ પ્રાંસગિક ઉદ્બોધનમાં કન્યા કેળવણી ઉપર ભાર મૂક્યો હતો.

ઉપસ્થિત વાલી સમુદાયને સંબોધીને તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત કન્યા કેળવણી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે ત્યારે આપણી દિકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનું કામ તે આપણાં સૌની નૈતિક ફરજ બની રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસોથી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાનું અભિયાન વેગવતું બની રહ્યું છે. ત્યારે પ્રાથમિક શાળાઓએ કન્યા કેળવણીનો પડકાર ઝીલી લીધો છે જેના કારણે સમાજમાં દિકરીઓનું સ્થાન મજબુત બની રહ્યું હોવાનું જણાવી શિક્ષણ ક્ષેત્રે કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરવાનું આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં અન્ય ઉપસ્થિત મહાનુભાવોની સાથે શાળાની વિદ્યાર્થિનીઓએ પણ કન્યા કેળવણી વિશેના મંતવ્યો રજૂ કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *