શહેરના થોરાળા વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. યુવતીએ વખ ઘોળતા પહેલાં ચિઠ્ઠી લખી હતી તેમાં તેણે ભાગીને લગ્ન કર્યા બાદ તેના પર ગુજારવામાં આવેલા ત્રાસ અને બળજબરીથી છૂટાછેડા આપી દેવાયા અંગેનું વિસ્તૃત રીતે લખ્યું હતું. 23 વર્ષની યુવતીએ સોમવારે સવારે તેના પિતાના ઘરે ઝેરી દેવા પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં અાવી હતી. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પરમાર સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે યુવતીનું નિવેદન નોંધવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે યુવતી પાસેથી ચિઠ્ઠી મળી આવી હતી. યુવતીની ચીઠ્ઠી પોલીસે કબજે કરી વિશેષ કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટના માતા-પિતાને છોડીને પ્રેમી સાથે નાસી જનાર માટે બોધપાઠરૂપ છે.
મમ્મી પપ્પા સોરી, મારી બહું મોટી ભૂલ થઇ ગઇ, હું ઘરેથી ભાગી ગઇ છતાંય મને તમે સાચવી, મેં તમારા કરતા કિશન પર વધારે વિશ્વાસ કર્યો અને તેણે જ મારી જિંદગી બગાડી નાખી, મારે હવે જીવવું નથી. મારી જિંદગી બગાડવા કિશન, ધીરજ સોલંકી, હિતેષ, સાગર, રેખા, કાજલ, બિપીન આ બધાએ મને ધમકાવી મારા પર માનસિક ત્રાસ આપી મારા છૂટાછેડા કરાવ્યા, મારા અને કિશનના કોર્ટ મેરેજ ધીરજે જામનગર કરાવ્યા, મેરેજ થયા બાદ ભાગવાનું કહ્યું અને થોરાળા પોલીસ ચોકીએ હાજર થયા ત્યારે મને એ કહે એમ જ બોલવાનું કીધું, બીજી વાર આવ્યા ત્યારે મને પોલીસ ચોકી એ એકલી મૂકીને કિશનને તેના બહેન બનેવી સાથે લઇ ગયા, બાદમાં જામનગર ગયા પછી મને ડિવોર્સ દેવાની વાત કરી, મેં ના પાડતાં મારી સાથે ઝઘડો કર્યો, બિપીન, હિતેષ, રેખા, સાગર, કાજલ બધા ફોન કરીને ડિવોર્સ દેવાનું કહેતા હતા. તા.20 સપ્ટેમ્બર 2024ના તમામ શખ્સો યુવતીને જામનગર મ્યુનિસિપલ કચેરી પાસે લઇ ગયા હતા અને ત્યાં ધાક-ધમકી આપી બળજબરીથી ડિવોર્સ કરાવી દીધા હતા અને ડિવોર્સ કર્યા બાદ પણ યુવતીને 3 દિવસ ગોંધી રાખી બળજબરીથી શરીરસંબંધ બાંધ્યા હતા. ઘરના લોકો દ્વારા ખોટાઆક્ષેપો કરવામાં આવતા હતા. આ તમામ કારણોથી આ પગલું ભરું છું.