આટકોટ સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થાન આઝાદીના વર્ષ 1947માં સ્થપાયેલ સંસ્થા છે. રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા 63 થી વધુ શાખાઓ સમગ્ર દેશ-વિદેશમાં કાર્યરત છે ત્યારે વધુ એક શાખા એટલે 64 મી શાખા સ્વરૂપે જસદણ ગુરૂકુળનો શિલાન્યાસ સમારોહ યોજાવાનો છે. બુધવારે અખાત્રીજના પવિત્ર દિવસે સવારે 8 કલાકે જસદણ આટકોટ હાઇવે ઉપર આટકોટ નજીક હેલીપેડ ગ્રાઉન્ડની પાછળ ખાતમુહૂર્ત, શિલાન્યાસ સમારોહ ભવ્યતાથી યોજાશે. આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થાના મહંત દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત દેવપ્રસાદદાસજી સ્વામી, ભક્તિજીવનદાસજી સહિતના સંતો ઉપસ્થિત રહેશે. સુરત ગુરૂકુળના ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ગુરૂકુળનું નિર્માણ કાર્ય યોજાશે. 40 વીઘામાં નિર્માણ પામનાર આ ગુરૂકુળમાં હોસ્ટેલ વિભાગમાં 50 અદ્યતન રૂમ બનશે.
સ્કૂલ વિભાગમાં 50 મોર્ડન ક્લાસરૂમ બનશે. એ ઉપરાંત પ્રાર્થના હલ, કોમ્પ્યુટર લેબ, સ્ટાફ રૂમ, ક્રિકેટ ગ્રાઉન્ડ સહિતનું સ્પોર્ટ કોમ્પ્લેક્સની સ્ટાન્ડર્ડ સુવિધાઓ મળશે. આ ગુરૂકુળ ખાતે ધોરણ 1 થી 12 અંગ્રેજી મીડિયમ તથા ગુજરાતી મીડીયમની અભ્યાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ તકે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા, રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી, દિનેશ બાંભણિયા તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટશે.ભૂમિપૂજનમાં સ્વામિનારાયણ મહામંત્રના સાડા ત્રણ કરોડ મંત્રનું લેખન કરેલી બુક પાયામાં પધરાવવામાં આવશે. સમગ્ર મહોત્સવ ભવ્યતાથી ઉજવવા માટે જસદણના કૈલાશ નગર સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદનસ્વામીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી ચાલી રહી છે. સવારે 9 વાગ્યા સુધી અખંડ ધૂન યોજાશે.