દક્ષિણ પંચમહાલમાં ચોમાસુ જામતાં સતત વરસી રહેલા વરસાદે યાત્રાધામ પાવાગઢના ડુંગરને સોળે કળાએ ખીલવી દીધું છે. માચી સુધીના ડુંગર ઉપર વાદળો ઉતરી આવતા અહીં વરસતા વરસાદ સાથે પ્રાકૃતિક સુંદરતાનો આનંદ લૂંટવા યાત્રાળુઓની સાથે સાથે પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. આજે વહેલી સવારે વરસેલા વરસાદ બાદ ડુંગર ઉપર જાણે સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રવાસીઓએ પણ મન મૂકીને પ્રકૃતિનો આનંદ માણ્યો હતો.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે, દક્ષિણ પંચમહાલના ઘોઘંબા, હાલોલ, જાંબુઘોડાના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય બનતાં જ આ સમગ્ર વિસ્તારે જાણે લીલી ચાદર ઓઢી હોય તેવો ભાસ થઈ રહ્યો છે. શહેરી દૂષિત વાતાવરણથી થાકેલા, કંટાળેલા અને શાંતિની શોધમાં ભટકતા અનેક પ્રવાસીઓ પ્રકૃતિને નજીકથી માણવા આ વિસ્તારમાં આવતા હોય છે. એવા લોકો માટે આ વિસ્તાર સ્વર્ગ સમાન બન્યો છે.