રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા એક અઠવાડિયાથી આતંક મચાવનાર અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવનાર દિપડો અંતે પાંજરે પુરાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી આતંક મચાવી પશુનું મારણ કરનાર દીપડાને પકડી પાડવા માટે ફોરેસ્ટ વિભાગે બે અલગ-અલગ જગ્યાએ પાંજરા મુકવામાં આવ્યા હતાં. જેમાં એક પાંજરાની અંદર વહેલી સવારે દીપડો પુરાઈ જતા ગૌશાળાના સંચાલકો તેમજ આસપાસના વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જે બાદ આ દીપડાનો કબજો ફોરેસ્ટ વિભાગે મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉપલેટા શહેરના પાટણવાવ રોડ પર આવેલ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં રાખવામાં આવેલી ગાયો પૈકીની બે વાછળીઓનું છેલ્લા એક અઠવાડિયામાં મારણ થયું હોવાનું સામે આવ્યું હતું. જેમાં આ મારણ દીપડા દ્વારા કરવામાં આવ્યું હોવાની માહિતીઓ સામે આવી હતી, જેને લઇ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેના આધારે વન વિભાગે દીપડાને પાંજરે પુરવા અલગ-અલગ બે જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા હતાં. જે પૈકી એક પાંજરામાં દીપડો પુરાઇ જતા ઉપલેટાના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.