રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી અનેક અધિકારીના ભોગ લેવાયા, પણ આ બધાની પાછળ રાજકીય પીઠબળ કોનું છે એ હજુ સુધી SIT કે પોલીસ શોધી શકી નથી. ત્યારે એક વાતની ભારે ચર્ચા છે કે, ભાજપનું સંગઠન નિષ્ફળ રહ્યું છે. પૂર્વ સંગઠન હોય કે વર્તમાન સંગઠન, અનેક નામો આમાં ચર્ચાય રહ્યાં છે. અમુક નેતા અને સંગઠનના હોદ્દેદારોનાં નામ ભારે ઊછળી રહ્યાં છે કે, કોના આશીર્વાદ હતા? કોની ભલામણ હતી? વર્તમાન સંગઠનમાં પણ મોટાપાયે ફેરફાર આવે તેવી આંતરિક સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે.
અગ્નિકાંડની ઘટનાને લઈ કેટલાક નેતાઓ સામેથી રાજીનામું આપે તો પણ નવાઈ નહીં અથવા ઉપરથી કહેવામાં આવશે કે, રાજીનામું ધરી દ્યો. પરંતુ હાલ ચૂંટણીના પરિણામને ગણતરીની કલાકો જ બાકી છે ત્યાં સુધી પ્રદેશ લેવલે મૌન છે. પરંતુ ધાર્યાં પરિણામો આવ્યા બાદ ચોક્કસપણે રાજકોટના સંગઠનમાં પાયામાંથી ફેરફારો આવે તો નવાઈ નહીં.. લેટર બોમ્બની વાત કરીએ તો સાગઠિયા અને પૂર્વ કોર્પોરેટરે એક લેટર પણ લખ્યો હતો. જેમાં પૂર્વ મેયર, પૂર્વ શહેર પ્રમુખનાં નામો પણ લખ્યાં છે. શું ગેમ ઝોનની મંજૂરી ફાયર સ્ટેશનના અધિકારીઓના હાથમાં જ હતી? શું કોઈ રાજકારણીની ભલામણ નહોતી? જેવા મોટા સવાલો ઊઠ્યા છે. શું સાગઠિયા કઈ રીતે કામકાજ કરતો તે માત્ર અધિકારીઓને ખબર હતી? શું શહેરના સંગઠનમાં અથવા કોઈ નેતા, કોર્પોરેટર કે કોઈ રાજકીય આગેવાનને ખબર નહોતી તે પણ વાત કોઈને ગળે ઊતરતી નથી.