રાજકોટ મનપા કચેરીએ આજે (7 જાન્યુઆરી) સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં વિકાસકામોની 67 દરખાસ્તો પર મંજૂરીની મહોર લાગી છે. જેમાં કટારિયા ચોકડી ખાતે રૂ.167 કરોડના ખર્ચે શહેરનો પહેલો થ્રી લેયર આઇકોનિક બ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજથી 2 લાખ લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.
તેમજ કે.કે.વી.ચોક બ્રિજની નીચે રૂ.1 કરોડથી વધુના ખર્ચે વિવિધ ગેમ્સ માટેના બોક્સ તેમજ રેસ્ટોરન્ટ સહિતનાં વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. શહેરના 18 વોર્ડમાં નવા રોડ-રસ્તા સહિત રૂ. 216 કરોડથી વધુનાં વિકાસકાર્યો મંજૂર કરવામાં આવ્યાં હતાં. કે.કે..વી ચોક બ્રિજની નીચે ગેમ્સ, સાથે જ ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે પે એન્ડ પાર્ક પણ તૈયાર કરવા સહિતના નિર્ણયો આજની બેઠકમાં લેવામાં આવ્યા છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટ મનપા કચેરીએ આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિકાસની 67 દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. રાજકોટના 18 વોર્ડનાં વિકાસકામો માટે રૂ.141 કરોડ અને GST મળીને રૂ.167 કરોડનો ખર્ચ થશે. રાજકોટનો સૌથી વધુ વિકાસ પશ્ચિમ વિસ્તારમાં છે. જ્યાં મેટોડા જીઆઇડીસી તેમજ ખીરસરા જીઆઇડીસી પણ આવેલી છે. જેને લઈને રાજકોટની કટારિયા ચોકડીએ ગુજરાતનો પ્રથમ થ્રી લેયર આઇકોનિક બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 30 મહિનામાં આ બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવશે, જેનો લાભ લાખો શહેરીજનોને મળશે.
આ ઉપરાંત રાજકોટના કેકેવી બ્રિજ નીચે ગુજરાત સરકારના આદેશ મુજબ વિવિધ ગેમ્સ, રેસ્ટોરન્ટ અને બોક્સ ક્રિકેટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અંદાજિત રૂ.1 કરોડનો ખર્ચ થશે. અહીં આવતા લોકોને ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા થાય નહીં તે માટે પે એન્ડ પાર્કિંગ પણ કાર્યરત રાખવામાં આવશે. બે મિટિંગ અગાઉ ઇસ્ટ, સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનના મુખ્ય રસ્તાઓ પર માર્કિંગ કરવાનું કામ મંજૂર કરાયું ન હતું. જે તે વખતે વિનાયક કોર્પોરેશન નામની એજન્સીએ 1.08 કરોડમાં કામ માગ્યું હતું. આ સમયે 15 ટકા ઓછા ભાવની ઓફર થઇ હતી.