ધ્રાંગધ્રા શહેર મધ્યે મુખ્ય વેપારી મથક ગણાતા રાજકમલ ચોકમાં વહેલી સવારે અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. વિકરાળ સ્વરૂપે લાગેલી આગની ચપેટમાં 25 જેટલી દુકાનો આવી હતી. જેથી દિવાળીના સમયે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનો પ્રાથમિક અંદાજ છે. ધ્રાંગધ્રા, હળવદ, સાણંદ, વિરમગામ સહિતની ફાયર ટીમો તેમજ આર્મીની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, 11 કલાક બાદ પણ હજુ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી.
ધ્રાંગધ્રા આર્મી જવાનોની સ્પેશિયલ ટુકડી પણ આગને કાબૂમાં લેવાના સતત પ્રયાસ કરતી નજરે જોવા મળી હતી. જો કે, વહેલી સવારે લાગેલી આગથી દુકાનો બળીને ખાખ થઇ ગઈ હતી. ઘટનાની જાણ થતા વહેલી સવારથી પાલિકા પ્રમુખ, પાલિકા તંત્ર, મામલતદાર સ્ટાફ સહિત સમગ્ર પ્રશાસન શહેર મધ્યે પહોંચી આગ કાબૂમાં લેવા પ્રયત્નશીલ જોવા મળ્યા હતા. હાલ 11 કલાક બાદ પણ આગ સંપૂર્ણ પણે કાબૂમાં આવી નથી. જોકે, આ ભયાવહ આગ પર ફાયરની ટીમે 80 ટકાથી વધુ કાબૂ મેળવી લીધો છે.