15 ઑગસ્ટે ફાઈનલ રમાઈ અને ઈતિહાસ રચ્યો

જેમ ક્રિકેટમાં સર ડોન બ્રેડમેન અને ફૂટબોલમાં પેલેનું સ્‍થાન છે, તેવી જ રીતે હોકીમાં મેજર ધ્‍યાનચંદનો જોટો જડવો મુશ્કેલ છે. આટલા વર્ષો થયા હોવા છતાં ભારતમાં તો નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધ્‍યાનચંદ જેવો કોઈ અન્‍ય ખેલાડી મળ્યો નથી. અત્યારે જેમ ધોની, કોહલી, રોનાલ્ડો અને મેસ્સીને જોવા માટે સ્ટેડિયમ ફૂલ થઈ જાય છે અને લોકો તેમના માટે પાગલ છે, તેવી જ રીતે તે વખતે ભારતની ટીમ અને હોકીના જાદુગરને જોવા માટે અન્ય રમતોનાં સ્ટેડિયમ્સ ખાલી થઈ જતાં, હોકીનું સ્ટેડિયમ ઓવરફ્લો થઈ જતું. ગલીઓમાં દીવાલો ચીતરી નાખવામાં આવી હતી. આ જ ધ્યાનચંદ ઉર્ફે હોકીના જાદુગર ઉર્ફે હોકી વિઝાર્ડનો આજે 118મો જન્મદિવસ છે. હોકીના દિગ્ગજ ખેલાડી ધ્યાનચંદની જન્મજયંતિની યાદમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.

મેજર ધ્‍યાનચંદનો જન્‍મ 29 ઓગસ્ટ 1905ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ( ત્યારે અલાહાબાદ) ખાતે એક લશ્કરના સુબેદારના ઘરે થયો હતો. પિતાના પગલે માત્ર 16 વર્ષની ઉંમરે ધ્‍યાનચંદે પણ 1922માં લશ્કરમાં નોકરી સ્વીકારી હતી. 14 પંજાબ રેજીમેન્ટમાં સિપાહી તરીકે ફરજ બજાવતો આ યુવાન હોકીની રમતમાં મહારથ ધરાવતો હતો. બ્રાહ્મણ રેજીમેન્ટના સુબેદાર મેજર ભોલે તિવારી પણ આ યુવાનની પ્રતિભાથી આકર્ષાયા અને બસ અહીંથી શરૂ થઈ હોકીના જાદુગરની ગોલની યાત્રા.

સેના દળમાં તેમના સમય દરમિયાન તેમને 1922 અને 1926ની વચ્ચે વિવિધ આર્મી હોકી ટુર્નામેન્ટ અને રેજિમેન્ટલ ગેમ્સમાં શાનદાર ગેમ બતાવીને બધાને પોતાના ચાહકો બનાવી લીધા હતા. ધ્યાનચંદ રમતમાં એટલા તલ્લીન થઈ જતા હતા કે તે તેમની ફરજના કલાકો પછી રાત્રે પણ હોકી રમતા હતા, ચંદ્રના પ્રકાશમાં પ્રેક્ટિસ કરતા હતા, જેના કારણે જ તેમનું નામ ધ્યાનચંદ (‘ચાંદ’ એટલે હિન્દીમાં ચંદ્ર) પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *