દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પિતાના ઘરે રહેતી યુવતી અગાઉ રાજકોટમાં તેના પતિ સાથે રહેતી હતી ત્યારે સસરા, કાકાજી સસરા અને કાકીજી સાસુએ ત્યાં આવી યુવતીને મેણાંટોણાં મારી મારકૂટ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ખંભાળિયામાં પિતાના ઘરે રહેતી મનિષા અનિલભાઇ ખરા (ઉ.વ.23)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે લાલપુરના મોટા લખિયા ગામે રહેતા સસરા પ્રવીણ ખોડા ખરા, કાકાજી સસરા લક્ષ્મણ ખોડા અને કાકીજી સાસુ સુમન લક્ષ્મણના નામ આપ્યા હતા. મનિષાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન એક વર્ષ પહેલાં અનિલ સાથે થયા હતા અને પતિ સાથે રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતી હતી તેને કોઇ સંતાન નથી. ગત તા.16 માર્ચના સસરા, કાકાજી સસરા અને કાકીજી સાસુ રાજકોટ તેમના ઘરે આવ્યા હતા અને રાત્રીના દશેક વાગ્યે સસરા પ્રવીણે ઝઘડો શરૂ કરીને મનિષાને કહ્યું હતું કે,‘તું અમારા ઘરમાં આવી ત્યારથી અમારા ઘરની ધનોત પનોત થઇ ગઇ છે, તું સારી નથી, તમે જે મકાનમાં રહો છો તે મકાન પણ મારા પત્ની પ્રેમીલાબેનના નામે છે, જેથી તમે મકાન છોડીને જતા રહો’.
ઝઘડાનો અવાજ સંભળાતા રૂમમાં સૂતેલા મનિષાના પતિ અનિલ ખરા બહાર આવ્યા હતા અને તેણે તેના પિતાને ઝઘડો નહીં કરવાનું કહેતા પિતા પ્રવીણ પુત્ર અનિલને ગાળો ભાંડી હતી અને તેની સાથે ઝપાઝપી શરૂ કરી હતી. પતિને બચાવવા મનિષા વચ્ચે પડી તો કાકાજી લક્ષ્મણે પેટમાં અને પડખામાં લાત મારી હતી જ્યારે કાકીજી સુમને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલાથી મનિષાને દુખાવો થતાં આરોપીઓ નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલી મનિષાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ મનિષાને તેના પિતા ખંભાળિયા લઇ ગયા હતા અને ત્યાં પણ સારવાર કરાવી હતી. અંતે આ મામલે મનિષાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી.