ઠેબચડાના ખેડૂતે 7 વ્યાજખોરને 19 કરોડની રકમ ઉપરાંત 15 કરોડ વ્યાજ ચૂકવ્યું છતાં વધુ રકમ માંગી ધમકી આપી

રાજકોટ નજીક આવેલા ઠેબચડા ગામમાં રહેતા ખેડૂતે સાત વ્યાજખોર પાસેથી લીધેલી રૂ. 19.55 કરોડની મુદ્દલ રકમ ઉપરાંત 15 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં વધુ રકમની માંગ કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. પોલીસ કમિશનરને ખેડૂતે કરેલી અરજી બાદ તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપવામાં આવી છે. બે શખ્સની અટકાયત કરીને અન્યની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું ક્રાઈમબ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું. ખેડૂતે વ્યાજની રકમ લીધી તે સમયે સિક્યોરિટી પેટે કરી આપેલા ખેતીની જમીન અને મકાનના દસ્તાવેજ પણ વ્યાજખોરોએ પોતાની પાસે જ રાખ્યા છે અને જો મૂળ માલિકના નામે દસ્તાવેજ કરી આપવા હોય તો વધુ રકમની માંગ કરવામાં આવી હોવાનું પણ લેખિત અરજીમાં જણાવવામાં આવ્યું છે.

રાજકોટ નજીક આવેલા ઠેબચડા ગામમાં રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઈ રઘુવીરસિંહ જાડેજાએ પોલીસ કમિશનરને કરેલી લેખિત અરજીમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચેક વર્ષથી તેને જમીન મકાનના ધંધા માટે રૂપિયાની જરૂરિયાત ઊભી થતા મિત્ર અને સંબંધીઓના ઓળખીતા એવા સાત વ્યક્તિઓ પાસેથી અંદાજે 19.55 કરોડ રૂપિયા 3, 4 અને 5 ટકાના વ્યાજેથી લીધા હતા. રકમ બહુ મોટી વ્યાજે લઈ લીધી હતી અને ધંધામાં મંદી આવતા વ્યાજ ચૂકવવું દુષ્કર થઈ ગયું હતું. આથી સાતેય વ્યાજખોરને પોતાની અને પોતાના સગા સંબંધીઓની ખેતીની જમીન તેમજ કેટલાક મકાનના દસ્તાવેજ કરી આપ્યા હતા. સાતેય વ્યક્તિઓને મુદ્દલ રકમ 19.55 કરોડ ઉપરાંત 15 કરોડનું વ્યાજ સહિત કુલ 34.55 કરોડ આપી દીધા હોવા છતાં હજુ પણ વ્યાજખોરો 50 લાખથી 1 કરોડની રકમ વધુ આપવી પડશે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. આ બાબતે ઠેબચડાના ખેડૂતે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાને ન્યાય અપાવવાની માંગ સાથે કરેલી અરજી બાદ ક્રાઈમબ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *