શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી તેજી રહી છે અને એમાં અનેક કંપનીઓના શેરમાં 100 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. એમાં અમુક શેરબ્રોકરો નિશ્ચિત કંપનીમાં રોકાણ કરાવે છે અને ત્યાર બાદ ભાવમાં વધારો કરે છે. એ બાદ બજારમાં વહેંચી દે છે. એમાં રોકાણકારો ફસાઈ જાય છે. એ વાત સેબીના ધ્યાનમાં આવતાં રાજ્યભરમાં સેબીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. એ અંતર્ગત રાજકોટમાં ભક્તિનગર સર્કલ પાસે આવેલા સનફ્લાવર બ્રોકિંગમાં તપાસ હાથ ધરી હતી અને બ્રોકરની અટકાયત કરી હતી. એમાં હાલ દસ્તાવેજો કબજે કરી તપાસ ચાલી રહી છે.
રાજકોટમાં ભક્તિનગર સર્કલ પાસે આવેલી સનફ્લાવર બ્રોકિંગ નામની કંપનીમાં સેબીની ટીમ દ્વારા બુધવારે દરોડા પાડવામાં આવ્યા હતા અને તેના બ્રોકર હર્ષ રાવલની મોટા મવામાં સ્થિત ઘરેથી અટકાયત કરી હતી. સેબીની ટીમ દ્વારા લેપટોપ સહિતની સામગ્રી તપાસવામાં આવતાં જંગલેશ્વરમાં રહેતા સલીમના એકાઉન્ટમાં મોટી રકમની લેવડદેવડ થઈ હોવાનું બહાર આવતાં સેબીની ટીમ જંગલેશ્વરમાં પહોંચી હતી, પરંતુ સલીમ ત્યાંથી મળ્યો નહોતો.
એ બાદ સેબીની ટીમ એજી ચોકમાં આવેલી અન્ય એક શેરબ્રોકરની ઓફિસે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. સેબીના અધિકારીઓએ ખાનગી રાહે તપાસ કર્યા બાદ સામૂહિક દરોડા પાડ્યા હતાં.